અમેરિકન સંસદે પાકિસ્તાનને F-16 પેકેજ-વેચાણ મંજૂર કર્યું

વોશિંગ્ટનઃ ભારતે દર્શાવેલા વાંધાની અવગણના કરીને અમેરિકાની કોંગ્રેસ (સંસદ)એ પાકિસ્તાનને F-16 ફાઈટર જેટ વિમાનો માટે સેવાઓનું પેકેજ વેચવાના પ્રસ્તાવને મંજૂર કર્યો છે. આ સોદો 45 કરોડ ડોલરનો છે. એમાં ફાઈટર વિમાનોની જાળવણી અને સંભાળ લેવાની સેવાનો સમાવેશ થાય છે. આ સૂચિત પેકેજ વેચાણ સામે અમેરિકન સંસદે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. પ્રમુખ જૉ બાઈડનના વહીવટીતંત્રએ આ સોદાને ગયા મહિને મંજૂરી આપી હતી. નિયમાનુસાર, આવા સોદાને અમેરિકાના પ્રતિનિધિ ગૃહની મંજૂરીની આવશ્યક્તા રહે છે.

ભારતે પાકિસ્તાનને F-16 વિમાનોની સેવા પૂરી પાડવામાં આવે એની સામે વાંધો દર્શાવ્યો હતો. ત્યારે પાકિસ્તાન સરકારે ભારતને કહ્યું હતું કે તે પાકિસ્તાન-અમેરિકા સંબંધો અંગે ટિપ્પણી કરવાથી દૂર રહે.