હિરોશીમાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હજારો લોકોની જંગી સભાઓ અને ભીડને જે રીતે કાબૂમાં રાખી શકે છે તેનાથી અમેરિકાના પ્રમુખ જો બાઈડનને આશ્ચર્ય થયું છે. ગઈ કાલે અહીં ક્વાડ દેશોના વડાઓની બેઠક મળી હતી ત્યારે બાઈડન સામે ચાલીને મોદીની સીટ સુધી ગયા હતા. એમને આવતા જોઈને મોદી એમની સીટ પરથી ઊભા થઈ ગયા હતા અને બંને નેતા એકબીજાને ભેટ્યા હતા. બાઈડને સ્મિત વેરીને મોદીને કહ્યું કે, ‘તમે તો અમેરિકામાં પણ ઘણા લોકપ્રિય છો. તમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની મને અગ્રગણ્ય નાગરિકો તરફથી ઢગલાબંધ વિનંતીઓ કરવામાં આવે છે. લોકોની ભીડને કાબૂમાં રાખવી એ મારે માટે એક નવો પડકાર છે. મારે તો તમારા ઓટોગ્રાફ લેવા જોઈએ.’
એ વખતે ત્યાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનીઝ પણ હાજર હતા અને એમણે કહ્યું કે, ‘સાચી વાત છે. અમારા સિડની શહેરમાં કમ્યુનિટી સ્વાગત સમારોહ સ્થળની ક્ષમતા 20,000 જણની છે. ઘણાએ ત્યાં ઉપસ્થિત રહેવાની મને વિનંતી કરી છે, તોય હું એ પરિપૂર્ણ કરવા સક્ષમ બની શક્યો નથી. મને યાદ છે, અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તો 90 હજારથી વધારે લોકોની ભીડે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.’ એ સાંભળીને બાઈડને મોદીને કહ્યું હતું, ‘મારે તમારા હસ્તાક્ષર લેવા જોઈએ.’ એ સાંભળીને સહુ હસી પડ્યા હતા. આમ, બાઈડન અને અલ્બેનીઝ, બંનેએ લોકોની ભીડને કાબૂમાં રાખવાની એમની આ પડકારસમાન તકલીફ વિશે મોદીને વિનોદીસૂરમાં ફરિયાદ કરી હતી.