માડ્રિડઃ સ્પેનમાં લોકડાઉનમાં મહિલાઓની સામે યૌન હિંસા અને જાતીય ભેદભાવના મામલામાં અચાનક વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં 13 હત્યાઓ થઈ છે, જેમાં હત્યારા મહિલાઓના પાર્ટનર અથવા એક્સ પાર્ટનર રહ્યા હોય. આમાંથી ત્રણ હત્યાઓ માત્ર એક દિવસમાં થઈ છે. આ હુમલાઓમાં એક 81 વર્ષીય પીડિતા કોસુલા પણ છે, જેમની તેમના પતિએ હથોડાથી મારીમારીને હત્યા કરી દીધી હતી. એક અહેવાલ મુજબ પુરુષોની હિંસાની શિકાર થયેલી 80 ટકા મહિલાઓએ ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી. આ હત્યાઓના વિરોધમાં મહિલાઓ રસ્તાઓ પર ઊતરી આવી છે. છેલ્લા એક સપ્તાહમાં સ્પેનમાં 250થી વધુ નાના-મોટા દેખાવો થયા છે.
માડ્રિડના ફેમિનિસ્ટ મુવમેન્ટની માર્તા કાર્રામિનાના જણાવે છે કે આ હુમલો કરનારા પાગલ અથવા બીમાર નથી. એ કટ્ટર પુરુષવાદી માનસિકતાના વૈમનસ્યથી ભરેલા છે. તેમનો હેતુ મહિલાઓ પર બળજબરી કરવાનો અને તેમને નીચાજોણું દેખાડવાનો છે. મહિલાઓ ધીમે-ધીમે મરી રહી છે અને વિશ્વને એ જણાવવા માટે અમે દેખાવો કરી રહ્યા છીએ. આ પ્રદર્શનકારી મહિલાઓની માગ છે કે આવા હુમલાખોરો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવે.
દેશમાં આ આંદોલનને હવા એક કથિત પિતા દ્વારા બે બાળકીઓ (છ વર્ષની ઓલિવિયા અને એક વર્ષની એના)ની હત્યાએ આપી હતી. આને લઈને દેશમાં જનઆક્રોશ છે. 2003થી અત્યાર સુધી 39 સગીર બાળકોની હત્યા તેમનાં પિતાએ કરી હતી.
મહિલાઓ પ્રત્યે વધતા હુમલા પર લૈગિંક કેસોના મામલાના પ્રધાન વિક્ટોરિયા રસેલ કહે છે કે કોવિડ-19 જેમ આ એક રોગચાળો છે. જાણકારોનું માનવું છે કે વધતા અપરાધનું કારણ કોરોના વાઇરસ છે, જ્યારે પ્રતિબંધ હટશે તો આ ઘટનાઓમાં ઘટાડો થવાની શક્યતા છે.