કેનેડાના રસ્તાઓ પર મોદીનો આભાર માનતાં હોર્ડિંગ્સ

ઓટ્ટાવાઃ કોરોના વાઇરસની સામેના જંગમાં ભારતે જે રીતે અન્ય દેશોની મદદ કરી છે, એને લીધે વિશ્વભરમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. નેપાળથી લઈને કેનેડા સુધી ભારતે કોરોનાની રસી આપીને એ સાબિત કર્યું છે કે સંકટ સમયે સાથે ભારત હંમેશાં પડોશીઓ અને મિત્ર રાષ્ટ્રોની સાથે ઊભું રહે છે. આ જ કારણે કેનેડાના રસ્તા પર વડા પ્રધાન મોદીનાં બેનર-બોર્ડ લગાડેલાં છે. રસી પહોંચાડવા બદલ ‘ધન્યવાદ મોદી’ના નામથી ઇલેક્ટ્રિક બોર્ડ લગાવવામાં આવ્યાં છે. 

આ બોર્ડમાં કેનેડાને રસી આપવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક બોર્ડ ગ્રેટર ટોરેન્ટોના વિસ્તારમાં લાગેલાં છે, એના પર વડા પ્રધાન મોદીના ફોટો પણ લાગ્યા છે. ભારત અને કેનેડાની મિત્રતાનો ઉલ્લેખ પણ છે. ગયા સપ્તાહે ભારતની કોરોનાની રસીના પાંચ લાખ ડોઝ ચોથી માર્ચે કેનેડાના ટોરેન્ટોમાં પહોંચી હતી. એસ્ટ્રાઝેનકાની રસી આ પાંચ લાખ ડોઝ પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ મોકલી હતી.

કેનેડાની જાહેર સેવા અને ખરીદપ્રધાન અનીતા આનંદે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું હતું, એ નિભાવ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ભવિષ્યમાં ભારતને સહકાર આપવા માટે તત્પર છીએ. વડા પ્રધાન ટ્રુડોએ વડા પ્રધાન મોદીને કોરોનાની રસી ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી મોકલ્યા હતા. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મને મારા મિત્ર જસ્ટિન ટ્રુડોના ફોન આવ્યાથી આનંદ થયો. કેનેડાએ કોરોનાની રસીના જેટલા ડોઝની માગ કરી છે, એટલા ડોઝનો પુરવઠો પૂરો પાડવાના ભારત બધા પ્રયાસ કરશે.