ન્યૂયોર્ક: કોરોના વાઈરસને રોકતી રસી હજુ સુધી શોધાઈ નથી પણ કોરોનાની સારવાર કરવામાં એન્ટી-મેલેરિયલ દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) ઘણી મદદગાર સાબિત થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19ના ઉપચાર માટે આને અસરકારક ગણાવી છે, જોકે, બીજી તરફ આ દવાનો વિરોધ પણ થઈ રહ્યો છે.
મેડિકલ જર્નલ લૈન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, એન્ટી મલેરિયલ ડ્રગ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દર્દીઓમાં મૃત્યુનું જોખમ વધી જાય છે. લૈન્સેટ અભ્યાસના લેખકોએ સૂચન આપ્યું છે કે, દવાને ક્લીનિકલ ટ્રાયલ ઉપરાંત કોવિડ-19ના ઉપચાર માટે ઉપયોગ ન કરવો જોઈએ.
હોસ્પિટલમાં દાખલ કોવિડ-19ના 96 હજારથી વધુ લોકો પર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં જોવા મળ્યું કે, આ દવા અને આના જેવી ક્લોરોક્વાઈનનો ઉપયોગ જે દર્દીઓ પર કરવામાં આવ્યો તેમાં HCQ નહીં લેનાર દર્દીઓની તુલનામાં જીવનું જોખમ વધારે જોવા મળ્યું.
લૈન્સેટ અભ્યાસમાં 671 હોસ્પિટલોના આંકડાઓ જોવા મળ્યા જેમાં 14,888 દર્દીઓને એન્ટીબાયોટિક મૈક્રોલાઈડની સાથે કે વગર હાઈડ્રોક્સીક્લોરોક્વીન કે ક્લોરોક્વીન દવા આપવામાં આવી હતી, જ્યારે 81,144 દર્દીઓને આ દવાઓ આપવામાં આવી ન હતી.
મહત્વનું છે કે, ટ્રમ્પે એપ્રિલની શરુઆતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાઈરસના ઉપચારમાં ઉપયોગી ગણાવી હતી, ત્યારપછીથી જ આ દવાની માગ વધી ગઈ. આ સપ્તાહની શરુઆતમાં ટ્રમ્પે એ વાતનો સ્વીકાર કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધુ કે તે કોરોનાથી બચવા માટે આ દવા લઈ રહ્યા છે.
લેખકોએ કહ્યું કે, દવા લેવાથી કોરોના વાઈરસના દર્દીઓને કોઈ ફાયદો થયો હોય એ વાતની ખાતરી નથી થઈ શકી. એટલું જ નહીં અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એપ્રિલમાં આ દવાના ઉપયોગને લઈને ચેતવણી પણ જાહેર કરી હતી.