50 ટકા કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ની સુવિધા આપશે ફેસબુક

કેલિફોર્નિયાઃ કોરોના કાળમાં મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા પ્રદાન કરી રહી છે, પરંતુ ફેસબુક વર્ક-ફ્રોમ-હોમની આ નીતિને કાયમ ચાલુ રાખવા ઇચ્છે છે. વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી કંપની ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગનું કહેવું છે કે આગામી 10 વર્ષોમાં કંપનીના આશરે 50 ટકા કર્મચારી રિમોટ વર્કિંગ કરશે, એમણે ઓફિસ જવાની જરૂર નહીં રહે. ફેસબુકનો આ નિર્ણય કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે, પણ આમાં એક ટ્વિસ્ટ પણ છે.  

જે કર્મચારીઓને વર્ક-ફ્રોમ-હોમનો વિકલ્પ આપવામાં આવશે, તેમના સેલરી પેકેજમાં ઘટાડો થવાની શક્યતા છે. ઝુકરબર્ગનું કહેવું છે કે અમે બહુ સારી સેલરી આપીશું, પણ એ માર્કેટ રેટ પર આધારિત હશે અને એ લોકેશનને અનુસાર અલગ હોઈ શકે. વર્ક-ફોર્મ-હોમથી કપનીનાં ભોજન, વીજળી અને ઓન-કેમ્પસ સુવિધાઓ પર થતા ખર્ચમાં પણ ઘટાડો થશે, પરંતુ તેણે કર્મચારીઓને આવશ્યક ઉપકરણ પ્રદાન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે. જોકે હજી એ સ્પષ્ટ નથી કે આ નિર્ણયનો કંપનીની નાણાકીય સ્થિતિ અને કર્મચારી પેકેજો પર શી અસર પડશે.

માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે એમને વિશ્વાસ છે કે 60 ટકા કર્મચારીઓને ફ્લેક્સિબલ વર્ક એન્વાયર્નમેન્ટ પસંદ આવશે અને જો વિકલ્પ આપવામાં આવશે તો આમાંથી 50 ટકા કોઈ અન્ય શહેરમાં જવાનું પસંદ કરશે. આવું એટલા માટે પણ સંભવ છે કે જો કંપની વર્ક-ફ્રોમ-હોમ પોલિસી પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને કર્મચારીઓના સેલરી પેકેજમાં ઘટાડો કરશે તો અપેક્ષા અનુસાર મોંઘાં શહેરોમાં રહેતા કર્મચારીઓ પ્રમાણમાં નાનાં શહેરોમાં જવાનું પસંદ કરશે. ફેસબુક રિમોટ હાયરિંગ પણ શરૂ કરશે, જેને અત્યાર સુધીનું સૌથી મોટું રિમોટ હાયરિંગ માનવામાં આવી રહ્યું છે. આ પહેલાં ટ્વિટર અને માઇક્રોસોફ્ટે પણ ઘોષણા કરી હતી કે કંપની કર્મચારકીઓને આગામી નોટિસ સુધી ઘરમાંથી કામ કરવા દેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]