હું જીવતી છું અને એકદમ સ્વસ્થ છું: મુમતાઝની સ્પષ્ટતા

મુંબઈ:  બોલીવુડની પીઢ અભિનેત્રી મુમતાઝ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગયા વરસની જેમ આ વરસે પણ તેમના અવસાનની અફવા ચગી છે. આ વખતે તો પંજાબના એક મિનિસ્ટરે ઉતાવળા થઈને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી દીધી. આ અફવાને રદિયો આપતાં સ્વયં મુમતાઝે કહ્યું છે કે, ‘હું સ્વસ્થ અને મસ્ત છું. હજી જીવતી છું. અને લોકો સમજે છે એટલી બુઢ્ઢી પણ નથી થઈ. તમારા બધાની દુઆઓને કારણે હું હજુ પણ સારી દેખાઉં છું.

73 વર્ષીય મુમતાઝ હાલ લંડનમાં રહે છે. તેમણે કહ્યું છે કે, ‘મને ખબર નથી પડતી કે શું કામ કોઈ આવું જાણીજોઈને કરે છે. ગયા વર્ષે પણ આવી અફવાને કારણે મારો પરિવાર ચિંતામાં આવી ગયો હતો. હાલ લોકડાઉનને કારણે લંડનમાં હું મારાં પતિ, દીકરીઓ, જમાઈ અને તેમના બાળકો, એમ બધાં સાથે જ છીએ.’ મુમતાઝના મૃત્યુના સમાચાર ગુરુવારથી ફરી રહ્યા હતા અને એવું પણ જણાવાઈ રહ્યું હતું કે તેમની અંતિમવિધિ શનિવારે છે.

મુમતાઝની દીકરી તાન્યા માઘવાનીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુમતાઝને નિવેદન કરતાં દર્શાવતો એક વિડિયો શેર કર્યો છે. ખોટી અફવાઓ ન ફેલાવાનો આગ્રહ કરતા તાન્યાએ લખ્યું કે, મારી માતા તરફથી તેમના પ્રશંસકો માટે એક સંદેશ! જે તસવીરોને ફેલાવીને તેમને વૃદ્ધ બતાવવામાં આવી રહ્યા છે તે ઘણા વર્ષો પહેલા તેને કેન્સરની બિમારી હતી એ સમયની છે.

મુમતાઝે વધુમાં જણાવ્યું કે, ‘મને કેમ મારવા ઈચ્છે છે લોકો? જ્યારે સમય આવશે ત્યારે જાતે જ જતી રહીશ. મરીશ ત્યારે મારો પરિવાર ઓફિશિયલી બધાને જાણ કરી દેશે. તે કોઈ સિક્રેટ નહીં રહે. બધાને ખબર પડી જશે અને આ વાત મને ખબર છે અને તેની ખાતરી પણ છે. જીવનની જેમ મૃત્યુ પણ એક હકીકત છે અને દરેક જણે કોઈક દિવસ તો મરવાનું જ છે.’