ક્લાઈમેટ ચેન્જઃ 16 વર્ષની બાળકીના સવાલે દુનિયાના નેતાઓને આંચકો આપ્યો…

નવી દિલ્હીઃ જળવાયુ પરિવર્તન પર વડાપ્રધાન મોદીની યૂએનમાં સ્પીચ પહેલા 16 વર્ષની એક એક્ટિવિસ્ટે દુનિયાભરના નેતાઓને પોતાની ચિંતાઓ અને સવાલોથી હચમચાવી દીધા. ગ્રેટા થનબર્ગે યૂએન મહાસચિવ સામે વર્લ્ડ લીડર્સને કહ્યું કે, તમે અમારું બાળપણ અને અમારા સ્વપ્નોને છીનવી લીધા. આ પ્રકારની તમારી હિમ્મત કેવી રીતે થઈ? બાળકીએ આ પ્રશ્ન પૂછતા જ બધા જ લોકો નિઃશબ્દ બની ગયા. બાળકી ભાવુક હતી અને તેના શબ્દોએ તમામને હચમચાવી દીધા.

સ્વીડનની 16 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચસ્તરીય જળવાયું સંમેલન દરમિયાન સોમવારે પોતાના ભાષણથી સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયા ગુટેરેસ સહિત દુનિયાના મોટા નેતાઓને જંજોળીને મુકી દીધા. ગ્રેટાએ પોતાના ભાષણમાં કહ્યું કે ‘તમે અમારા સપના, અમારું બાળપણ તમારા ખોખલા શબ્દોથી છીનવી લીધું. જોકે હજુ પણ હું ભાગ્યશાળી છું, પરંતુ લોકો સહન કરી રહ્યા છે, મરી રહ્યા છે, આખી ઇકો સિસ્ટમ બરબાદ થઇ રહી છે.” ગ્રેટાએ દુનિયાભરના બાળકો અને આજની યુવા પેઢીનો અવાજ સામે રાખતા કહ્યું કે, યુવાનો સમજી રહ્યા છે કે જળવાયુ પરિવર્તનના મામલે અમને છેતરવામાં આવ્યા અને જો તમે કંઈ ન કર્યું તો યુવા પેઢી આપને માફ નહી કરે.

ગ્રેટાના ભાષણની સંયુક્ત રાષ્ટ્રના ચીફે પણ સરાહના કરી. તેમણે વિશ્વના નેતાઓ પર કંઈજ ન કરવાનો આરોપ લગાવ્યો. પોતાના સંબોધન દરમિયાન ગ્રેટા ભાવુક થઈ ગઈ અને કહ્યું કે, તમે અમને નિષ્ફળ બનાવી દીધા છે. યુવાનો સમજે છે કે તમે અમને છેતર્યા છે. યુવાનોની નજર તમારા પર છે અને જો તમે ફરીથી અમને નિષ્ફળ કર્યા તો, અમે આપને ક્યારેય માફ નહી કરીએ. અમે આપને જવા નહી દઈએ. દુનિયા જાગી ચૂકી છે અને સ્થિતીઓ બદલાઈ રહી છે, ભલે આપને પસંદ આવે કે ન આવે.