હવે વિમાનપ્રવાસ વખતે ફોન કોલ કરી શકાશે

લંડન: આપણે જ્યારે વિમાનમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે સ્માર્ટફોનને કાં તો સ્વિચ-ઓફ્ફ કરી દેવો પડે છે અથવા એને એરપ્લેન/ફ્લાઈટ મોડમાં મૂકી દેવો પડે છે. વિમાન ઊંચે આકાશમાં ઉડાણ ભરે કે ફોન ફ્લાઈટ મોડમાં જતાં આપણો દુનિયા સાથેનો સંપર્ક તૂટી જાય છે. પરંતુ, હવે વિમાન પ્રવાસ કરતી વખતે તમે ફોન પર વાત કરી શકશો, ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશો અને ઈન-ફ્લાઈટ વીડિયો કોલ પણ કરી શકશો. યૂરોપીયન યૂનિયને આને પરવાનગી આપી છે.

એરલાઈન કંપનીઓ એમના પ્રવાસીઓને સુપર-ફાસ્ટ એવી 5G ટેક્નોલોજીના માધ્યમથી ફોનની આ સુવિધા આપી શકે છે. યૂરોપીયન યૂનિયને તેના સભ્ય દેશોની એરલાઈન કંપનીઓને આદેશ આપ્યો છે કે તેમણે 30 જૂન, 2023 સુધીમાં એમના વિમાનોમાં 5G ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવી દેવી. આ સેવા ઉપલબ્ધ થવાથી પ્રવાસીઓ વિમાનમાં બેઠાં બેઠાં ફોન કરી શકશે અને લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ પણ લઈ શકશે.