અમેરિકન ટીવી શો ‘ફ્રેન્ડ્સ’ના અભિનેતા મેથ્યૂ પેરી (54)નું આકસ્મિક મૃત્યુ

લોસ એન્જેલીસઃ અમેરિકાના જાણીતા ટીવી કોમેડી શો ‘ફ્રેન્ડ્સ’માં ‘ચેંડલર બિંગ’ની ભૂમિકાથી દુનિયાભરમાં પ્રશંસા પામેલા અભિનેતા મેથ્યૂ પેરીનું મૃત્યુ થયું છે. તેઓ 54 વર્ષના હતા. એમનો મૃતદેહ રવિવારે વહેલી સવારે અત્રે એમના ઘરમાં એક હોટ ટબ (જાકુઝી)માંથી મળી આવ્યો હતો. આ સમાચારથી અમેરિકાના મનોરંજન જગત હોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે અને પેરીના દુનિયાભરમાંના કરોડો પ્રશંસકો અને મિત્રોને આઘાત લાગ્યો છે. ‘ફ્રેન્ડ્સ’ શોમાં મેથ્યૂ પેરીએ કટાક્ષ કરતા અને રમૂજ કરતા ચેંડલર બિંગના પાત્ર વડે માત્ર અમેરિકા જ નહીં, પણ દુનિયાભરમાં લોકપ્રિયતા હાંસલ કરી છે.

પેરી રાતના પિકલબોલ ગેમ રમીને ઘેર પાછા ફર્યા હતા અને એમના નોકરને અમુક કામ કરવા ઘેર બોલાવ્યો હતો. જ્યારે નોકર ઘેર આવ્યો ત્યારે એણે પેરીને એમના જાકુઝીમાં ડૂબી ગયેલી અવસ્થામાં પડેલા જોયા હતા. એણે તરત જ 911 નંબર પર પોલીસને જાણ કરી હતી. મૃત્યુનું કારણ હજી જાહેર કરવામાંઆવ્યું નથી. લોસ એન્જેલીસ ટાઈમ્સના અહેવાલ અનુસાર પેરી શનિવાર, 28 ઓક્ટોબરે બપોરે 4 વાગ્યે એમના ઘેર હતા. એમના ઘેર અમુક જણ આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ પેરીના ઘરમાંથી ડ્રગ્સ જેવી કોઈ ચીજ મળી નથી.

‘ફ્રેન્ડ્સ’ ટીવી શો એનબીસી નેટવર્ક પર 1994થી 2004 સુધી – દસ વર્ષ સુધી ચાલ્યો હતો અને દુનિયાભરમાં લોકપ્રિય બન્યો હતો. 2002માં પેરીને ચેંડલર બિંગની ભૂમિકા માટે ‘પ્રાઈમટાઈમ એમી એવોર્ડ’ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. પેરીએ ‘ફ્રેન્ડ્સ’ ઉપરાંત ‘ધ ગુડ વાઈફ’, ‘ધ ઓડ કપલ’, ‘સ્ટુડિયો 60 ઓન ધ સનસેટ સ્ટ્રિપ’ અને ‘ધ વેસ્ટ વિંગ’ જેવા અન્ય ટીવી શોમાં પણ અભિનય કર્યો હતો. અમેરિકાના મેસેચ્યૂસેટ્સમાં જન્મેલા અને કેનેડાના ઓટ્ટાવામાં ઉછરેલા પેરીના માતા કેનેડિયન પત્રકાર હતાં. એમણે પેરીના પિતાને છૂટાછેડા આપ્યાં હતાં અને કેનેડાના બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રના એક મહારથી સાથે લગ્ન કર્યાં હતાં. પેરી 15 વર્ષની ઉંમરે અભિનયમાં કારકિર્દી બનાવવા લોસ એન્જેલીસ આવ્યા હતા.