ઈરાકમાં મેરેજ હોલમાં ભીષણ આગ લાગી, 100નાં મરણ

બગદાદઃ ઈરાકના ઉત્તર ભાગમાં નિનેવેહ પ્રાંતના હમદાનિયા શહેરમાં બુધવારે વહેલી સવારે બનેલી એક દુર્ઘટનામાં એક લગ્ન સમારંભના હોલમાં ભીષણ આગ લાગતાં વર અને કન્યા સહિત 100થી વધારે લોકોનાં મરણ થયા છે અને બીજાં દોઢસો જેટલા લોકો ઘાયલ થયાં છે. લગ્ન સમારંભ ખ્રિસ્તી સમાજનાં લોકોનો હતો. વિસ્તારમાં ખ્રિસ્તીઓની બહુમતી છે.

હમદાનિયા શહેર ઈરાકના મોટા શહેરોમાંના એક, મોસૂલથી બાજુમાં જ આવ્યું છે. ટીવી સમાચાર ચેનલોએ આગની ઘટનાના ફૂટેજ બતાવ્યા છે. એમાં જોઈ શકાય છે કે આગની ભયંકર જ્વાળાઓએ તે આખા મેરેજ હોલને ભરડો લીધો હતો. જ્યાં જુઓ ત્યાં ભડથૂં થઈ ગયેલા માનવદેહ, ધાતુના ખુરશી-ટેબલ અને કાટમાળ જોવા મળ્યા હતા. કેટલાક લોકો બચી ગયા છે અને એમને નજીકની હોસ્પિટલોમાં ઓક્સિજન આપવામાં આવ્યા હતા. ઈરાકના વડા પ્રધાન મોહમ્મદ શિયા-અલ-સુદાનીએ આ દુર્ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

આગનું કારણ તાત્કાલિક જાણવા મળ્યું નથી. મરણાંકની સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મેરેજ હોલના બાહ્ય ડેકોરેશનમાં આવરણ માટે અત્યંત જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરાયો હતો. આ પદાર્થોને ઈરાકમાં ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. કારણ કે આગ લાગતાં આવા આવરણો પળવારમાં ધ્વસ્ત થઈ જતાં હોય છે અને ભયાનક દુર્ઘટના કરે છે.