બર્લિનઃ કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા 3 મહિનાથી લાગુ કરેલા લોકડાઉનને ધીમે ધીમે હળવું કર્યા બાદ યુરોપના દેશોએ એકદમ નવી વાસ્તવિક્તા તરફ એક મોટું ડગલું ભર્યું છે અને સાથી યુરોપીયનો માટે એમની સરહદો ખોલી દીધી છે. તે છતાં આ નિર્ણયમાં પારદર્શકતા નથી, કારણ કે અમેરિકન નાગરિકો તથા એશિયન લોકો માટે આ છૂટ હમણા લાગુ કરાઈ નથી.
યુરોપના લોકોને ઉનાળાનું વેકેશન માણવું બહુ ગમે છે, પરંતુ પ્રવાસની પરવાનગીનો લાભ કેટલા લોકો લેશે એ કહી શકાય એમ નથી.
અમેરિકા, એશિયા, લેટિન અમેરિકા તથા મધ્યપૂર્વના દેશોનાં પર્યટકોને હજી યુરોપમાં આ છૂટ આપવામાં આવી નથી.
યુરોપીયન યુનિયને ભલામણ કરી છે કે યુરોપ ખંડના દેશોએ શક્ય એટલું ઝડપથી, બની શકે તો સોમવારથી જ આપસની સરહદો ખોલી દેવી.
આને પગલે ઘણા દેશોએ તેમ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે દરેક દેશ માટે જુદા જુદા નિયમો રહેશે.