ઇસ્લામાબાદઃ પાકિસ્તાન પહેલાંથી જ સૌથી ગંભીર નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. આવામાં થયેલી હિંસાને લઈને ના માત્ર સરકારને બલકે જનતાને પણ મોટું નુકસાન થયું છે. ઇમરાન ખાનની ધરપકડને લઈને થયેલી રાજકીય ઊથલપાથલને પગલે સરકાર દ્વારા ઇન્ટરનેટ સેવાઓને સસ્પેન્ડ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવ્યા પછી પાકિસ્તાની કરન્સીને 2.49 અબજ રૂપિયાનું નુકસાન થયું છે.
પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના પ્રમુખ ઇમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં હિંસક વિરોધને ધ્યાનમાં રાખતાં સરકારે ઇન્ટરનેટ બંધ કરવાની ઘોષણા કરી હતી, પણ યોજના નિષ્ફળ રહી હતી. શુક્રવારે ઇમરાન ખાનને ઇસ્લામાબાદ હાઇકોર્ટથી જામીન મળી જતાં પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરી હતી, પરંતુ ત્રણ દિવસોમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું હતું.
દેશમાં ઇન્ટરનેટ બંધ થવાને કારણે ત્રણ દિવસોમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને રૂ. 2.49 અબજનું નુકસાન થયું હતું. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીનાં સૂત્રો અનુસાર સરકારે પ્રતિ દિન મોબાઇલ બ્રોડબ્રેન્ડ સેવાઓથી રૂ. 28.5 કરોડની ટેક્સની આવક પ્રાપ્ત થાય છે. સરકારને ત્રણ દિવસોમાં ટેક્સની આવકમાં રૂ. 86 કરોડનું નુકસાન થયું છે. ત્રણ દિવસો સુધી પાકિસ્તાનમાં લોકો ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ સહિત સોશિયલ તમામ મિડિયા પ્લેટફોર્મથી દૂર રહ્યા.
પાકિસ્તાનમાં ત્રણ દિવસ ઇન્ટરનેટની સેવાઓ બંધ થવાથી ઓનલાઇન એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ સર્વિસ, ફૂડ ડિલિવરી સર્વિસ અને અન્ય વ્યવસાયને પણ પ્રતિકૂશળ અસર થઈ હતી. ત્રણ દિવસ સુધી ઇન્ટરનેટ બંધ થવાને કારણે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં આશરે 1,50,000 રજિસ્ટર્ડ રાઇડર્સ અસર થઈ હતી. આ પ્રકારે 12,000 હોટેલોની ઓનલાઇન ડિલિવરી સર્વિસ અને આશરે રૂ. ત્રણ કરોડનો ફ્રીલાન્સ બિઝનેસને પણ અસર થઈ હતી.