દુબઇ- સોશિઅલ મીડિયા પર કરેલી કોમેન્ટથી નોકરી ખોવાનો વારો સામાન્ય લોકોને જ નહીં, સેલિબ્રિટીઝને પણ આવી શકે છે. દુબઇની હોટેલે ભારતીય મૂળના જાણીતાં રસોઇયા અતુલ કોચરને તેમણે કરેલા એક ટ્વીટ માટે કાઢી મૂક્યાં છે.
અતુલ કોચરે ઇસ્લામ વિરોધી ટ્વીટ કર્યું હોવાને પગલે નોકરી ગુમાવી છે. તેઓ જેડબ્લયૂ મેરિયટ માર્કિસ હોટેલના રંગમહેલ ઇન્ડિયા નામના રેસ્ટોરાંને સંભાળી રહ્યાં હતાં. હોટેલના જનરલ મેનેજર બિલ કીફરના હવાલે જણાવાયું છે કે અતુલ કોચરની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે તેમનું એગ્રિમેન્ટ પૂરું થયાં પછી જ તેમનો હોટેલ સાથેનો સંબંધ પૂર્ણ થશે.
આ કર્યું હતું ટ્વીટ..
અતુલ કોચરે પ્રિયંકા ચોપડાના શૉ ક્વાન્ટિકોમાં હિન્દુ રાષ્ટ્રવાદીઓને આતંકીઓના રુપમાં દર્શાવવા સામે ઇસ્લામવિરોધી ટ્વીટ કર્યું હતું. જેને લઇને મોટો વિવાદ ખડો થયો હતો. તેણે લખ્યું હતું કે,’ યહ દેખકર દુઃખ હો રહા હૈ કિ આપન હિન્દુઓ કી ભાવનાઓ કા સમ્માન નહીં કિયા જો 2000 સાલ સે જ્યાદા સમય સે ઇસ્લામ કે આતંક કા શિકાર હોતે રહેં હૈં.’
બાદમાં અતુલે માફી માગીને ટ્વીટ હટાવી લીધું હતું અને કહ્યું હતું કે તેમણે આવેશમાં આવીને ભૂલ કરી હતી.જોકે સોશિઅળ મીડિયામાં હંગામો મચી ગયો હતો અને અતુલને હટાવવાની માગણીઓ થઇ ગઇ હતી.