હાફિઝના રાજકારણમાં પ્રવેશવાના પ્રયાસોને ઝાટકો, MMLની રજિસ્ટ્રેશન અરજી રદ

ઈસ્લામાબાદ- ખતરનાક આતંકી અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના રાજકારણમાં પ્રવેશવાના પ્રયાસોને ફરી એકવાર ઝાટકો લાગ્યો છે. પાકિસ્તાન ચૂંટણી પંચે હાફિઝ સઈદનીપાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને (MML) રાજકીય પાર્ટી તરીકે માન્યતા આપવાથી ઈનકાર કર્યો છે. જેથી હવે તેના ઉમેદવારો મિલ્લી મુસ્લિમ લીગના ટિકીટ પર ચૂંટણી લડી શકશે નહીં.આતંકી હાફિઝ સઈદે તેની સંગઠન જમાત-ઉદ-દાવાનું નામ બદલીને મિલી મુસ્લિમ લીગ રાખ્યું હતું. જોકે મિલી મુસ્લિમ લીગ સિક્યુરિટી ક્લિયરન્સ મેળવવામાં નિષ્ફળ રહી, જેના પરિણામે પાકિસ્તાન ચૂંટણી પંચે તેની રજીસ્ટ્રેશન એપ્લિકેશનને નકારી કાઢી છે.

હવે હાફીઝ સઈદ પાસે પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં અપક્ષ ઉતારવા પડશે અથવા નાના રાજકીય પક્ષ સાથે સાંઠગાંઠ કરવી પડશે.  સિવાય તેની પાસે ત્રીજો કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો. આપને જણાવી દઈએ કે, હાફિઝે પાકિસ્તાનમાં આગામી વર્ષે યોજાનારી સાન્યા ચૂંટણીમાં 200થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતારવા તૈયારી કરી હતી.

આ પ્રથમ ઘટના નથી જ્યારે પાકિસ્તાન ચૂંટણી પંચે મિલ્લી મુસ્લિમ લીગની નોંધણી રદ હોય. આ અગાઉ પણ પાકિસ્તાન ચૂંટણી પંચે મિલ્લી મુસ્લિમ લીગના લાહોરની NA-120 બેઠકની પેટાચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ તેના ઉમેદવારે અપક્ષ ચૂંટણી લડી હતી. જોકે, ચૂંટણી દરમિયાન પ્રચારમાં આતંકી હફીઝ સઈદના પોસ્ટર અને બેનરનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.

9/11ના આતંકવાદી હુમલા પછી દુનિયાને ગેરમાર્ગે દોરવા હાફિઝ સઈદે તેના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈય્યબાનું નામને નવું નામ જમાત-ઉદ-દાવા રાખ્યું. ત્યારબાદ મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા પછી હાફિઝે ફરી એક જ રમત રમી હતી. આ વખતે જમાત-ઉદ-દાવાનું નામ બદલ્યું અને નવું નામ રાખ્યું તહરિક-એ-હુરમત-એ-રસૂલ.

પછી તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો નવી રાજકીય પાર્ટી બનાવી ‘મિલ્લી મુસ્લિમ લીગ’ (MML). હાફિઝે ઓગસ્ટ 2017માં MMLની સ્થાપના કરી. ખૂંખાર આતંકી હાફિઝ સઈદ પાકિસ્તાનની ચૂંટણી જીતીને પાકિસ્તાનનો વડાપ્રધાન બનવા માગે છે. પરંતુ તેની આ મહત્વાકાંક્ષા પર ફરી એકવખત ઝાટકો લાગ્યો છે.