નોર્થ કોરિયાની શર્તનો USએ કર્યો સ્વીકાર, સાઉથ કોરિયા સાથે બંધ કરશે સૈન્યઅભ્યાસ

વોશિંગ્ટન- અમેરિકા અને નોર્થ કોરિયાની શત્રુતા હવે મિત્રતામાં બદલાઈ ગઈ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં યોજાયેલી બેઠક બાદ આ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. જેને લઈને વૈશ્વિક સમુદાયે પણ રાહતનો શ્વાસ લીધો છે.એક સમયે પરમાણું હુમલાની ધમકી આપનારા બન્ને દેશ હવે શાંતિના માર્ગે આગળ વધી રહ્યા છે. જ્યારે એક તરફ ઉત્તર કોરિયાએ પરમાણું પરીક્ષણ સ્થળોને નષ્ટ કરવાની જાહેરાત કરી છે, બીજી તરફ અમેરિકાએ પણ દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ બંધ કરવાની વાત કરી છે.

સિંગાપુરમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની ઐતિહાસિક બેઠક બાદ જણાવ્યું કે, અમેરિકા કોરિયાઈ ટાપુમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ બંધ કરશે પરંતુ નોર્થ કોરિયાના પરમાણું પરીક્ષણોને કારણે તેના પર જે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હતા તે હાલ પુરતા યથાવત રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ‘અમે સૈન્ય અભ્યાસ બંધ કરી દઈશું, જેનાથી ઘણા પૈસાની બચત થશે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, તેઓ સૈન્ય અભ્યાસ રોકવા સહમત થયા છે કારણકે ટ્રમ્પ તેને ઉશ્કેરણીજનક પ્રક્રિયા માને છે. અમેરિકાના પ્રેસિડેન્ટે એમ પણ જણાવ્યું કે, તેઓ દક્ષિણ કોરિયામાં તહેનાત અમેરિકન સૈનિકોને પરત બોલાવવા માગે છે. જે અંગે તેમણે અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણી સમયે વાયદો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, ‘હું દક્ષિણ કોરિયાથી અમેરિકાના સૈનિકોને પરત સ્વદેશ બોલાવવા ઈચ્છું છું. મને આશા છે કે, તે જલદી શક્ય બનશે’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]