નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ચૂક્યા છે. ટ્રમ્પ ચીનની મુશ્કેલીઓમાં વધારો કરે એવી શક્યતા છે. ટ્રમ્પને ચીનવિરોધી કહેવામાં આવે છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ ચીનથી આયાત થતા માલ પર ભારે ટેરિફ લાદશે. ટ્રમ્પ ચીનવિરોધી નીતિ માટે જાણીતા છે. આમ ભારે ટેરિફથી બંને દેશો વચ્ચે વેપારયુદ્ધ છેડાય એવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું કે દેશમાં ઉત્પાદન વધારવા અને અર્થતંત્રને મજબૂત કરવાના ઇરાદાથી ચીનથી આયાત થતા માલસામાન પર 60 ટકા ટેરિફ લગાવવામાં આવશે, જ્યારે અન્ય દેશો પર તે 10 ટકા સુધી હોઈ શકે છે. આવી સ્થિતિમાં ચીનથી અમેરિકામાં આયાત થતા માલસામાન પર પ્રતિબંધ લાગી શકે છે. ટ્રમ્પ વર્ષોથી ચીનના વ્યૂહરચનાકારોને આ વાત કહેતા આવ્યા છે. જે ચીનને આર્થિક મોરચે મોટો ફટકો આપી શકે છે.
આ સિવાય ટ્રમ્પે ચીનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ખતમ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. વિશ્લેષકો કહે છે કે ટ્રમ્પના નેતૃત્વમાં વેપાર યુદ્ધની શક્યતાએ ચીનના નેતૃત્વને હચમચાવી દીધું છે. ચીન દર વર્ષે અમેરિકાને $400 બિલિયનથી વધુનો માલસામાન વેચે છે. નિષ્ણાતોના મતે બીજિંગ ટ્રમ્પના શાસનમાં અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી વેપાર યુદ્ધ શરૂ થવાની સંભાવનાથી ચિંતિત છે, કારણ કે ચીન હાલમાં ઘણા મહત્વપૂર્ણ આંતરિક અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે.