22 સપ્ટેંબરે હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ટ્રમ્પ પણ સામેલ થશે

હ્યુસ્ટન – ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને બળ મળે એવા સમાચાર એ છે કે 22 સપ્ટેંબર, આવતા રવિવારે અત્રે યોજાનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમ્માન કાર્યક્રમમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપવાના છે. અમેરિકામાં વસતા ભારતીય સમુદાય દ્વારા આયોજિત એ કાર્યક્રમને ‘Howdy Modi’ નામ આપવામાં આવ્યું છે. એ કાર્યક્રમમાં 50 હજાર જેટલા ભારતીય-અમેરિકન્સ હાજરી આપશે.

વ્હાઈટ હાઉસ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે પ્રમુખ ટ્રમ્પ ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં હાજરી આપશે અને સંબોધન પણ કરશે.

વ્હાઈટ હાઉસનાં મિડિયા સચિવ સ્ટીફનીએ જણાવ્યું છે કે હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં યોજાનાર Howdy Modi સમારંભમાં મોદી અને ટ્રમ્પની સંયુક્ત રેલી બંને દેશ વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવાનો મહત્ત્વનો મોકો બનશે.

મોદી જ્યારે તાજેતરમાં ફ્રાન્સમાં G-7 સંમેલનમાં હાજરી આપવા ગયા હતા ત્યારે ત્યાં એમની મુલાકાત ટ્રમ્પ સાથે થઈ હતી અને ત્યારે જ એમણે ટ્રમ્પને Howdy Modi કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું હતું અને ટ્રમ્પે એનો સ્વીકાર કર્યો હતો.

પીએમ મોદી યુનાઈટેડ નેશન્સ સંસ્થાની મહાસમિતિની બેઠકમાં હાજરી આપવા માટે આવવાના છે, પરંતુ મોદીની એ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને એમની વચ્ચે કોઈ વ્યક્તિગત કે દ્વિપક્ષીય પ્રતિનિધિમંડળ સ્તરે મંત્રણા યોજાય એવી ધારણા નથી, પરંતુ ટ્રમ્પ ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં હાજરી આપશે, એમ વ્હાઈટ હાઉસે સમર્થન આપ્યું છે.

કશ્મીર વિવાદમાં ટ્રમ્પ મધ્યસ્થી કરે એવી પાકિસ્તાને વિનંતી કરી છે જ્યારે ભારત ત્રીજા પક્ષના હસ્તક્ષેપ માટે સહમત નથી. પરિણામે કશ્મીર મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડે નહીં એની તકેદારી રૂપે ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપશે.

પીએમ મોદી 21 સપ્ટેંબરે અમેરિકા જવાના છે.

દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં મિત્રતાના અંદાઝમાં એકબીજાને હાઉડી (Howdy) કહેવાની પ્રથા છે. હાઉડી એ અંગ્રેજી શબ્દ હાઉ ડૂ યૂ ડૂ (How do you do)નું સંક્ષિપ્ત રૂપ છે.

આ કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઈન્ડિયા ફોરમ સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં મોદીના ભાષણ ઉપરાંત ભારત-અમેરિકા સંબંધોને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

દુનિયાના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશના વડા એક જ સમારંભમાં હાજરી આપશે અને સંબોધન પણ કરશે. એ પ્રસંગને આખી દુનિયા નિહાળશે.

હાઉડી, મોદી કાર્યક્રમમાં હાજરી આપવા માટે અત્યાર સુધીમાં 50 હજાર લોકોએ નામ નોંધાવી દીધા છે અને બીજા 10 હજારથી વધારે લોકો વેઈટિંગ લિસ્ટમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]