જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) નાં પ્રવક્તાનું કહેવું છે કે ગાઝા સ્ટ્રીપમાં જો આરોગ્ય સેવાઓ વ્યવસ્થિત નહીં કરાય તો બોમ્બમારા કરતાં બીમારીઓથી વધારે લોકો મૃત્યુ પામશે. હમાસ ઉગ્રવાદી સંગઠને હુમલો કર્યા બાદ ઈઝરાયલે વળતું ભીષણ આક્રમણ કરીને ગાઝા પટ્ટીમાં વિનાશ વેર્યો છે. અહીં બોમ્બમારાને કારણે 15,000થી વધારે લોકો માર્યા ગયા છે. એમાં આશરે 40 ટકા બાળકો હતા. કાટમાળ હેઠળ હજી બીજા અનેક મૃતદેહો પડ્યા હોવાની ભીતિ સેવાય છે.
ઈઝરાયલની સરકારે ગાઝા પર અંકુશ મેળવનાર હમાસ સંગઠનને નાબૂદ કરી દેવાની પ્રતિજ્ઞા લીધી છે. ગઈ 7 ઓક્ટોબરે હમાસના બંદૂકધારીઓ સરહદ ઓળંગીને ઈઝરાયલમાં ઘૂસ્યા હતા અને 1,200 જેટલા લોકોને મારી નાખ્યા હતા અને 240 જણને બંધક બનાવીને ઉપાડી ગયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં પ્રવક્તા માર્ગારેટ હેરિસે જિનેવામાં સંસ્થાના મુખ્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અમને તો એવું લાગે છે કે ગાઝામાં જો આરોગ્ય સેવાઓ વ્યવસ્થિત નહીં કરાય તો બોમ્બમારા કરતાં બીમારીઓને કારણે વધારે લોકો મરી જશે. ચેપી રોગચાળા, ખાસ કરીને ઝાડા-ઉલટીના ફેલાવાનો ખતરો વધી રહ્યો છે. ગાઝામાં દવાઓ નથી, રસીકરણની કામગીરી થતી નથી, પીવા માટે સુરક્ષિત, સ્વચ્છ પાણી અને ખોરાક પણ મળતા નથી. નવજાત શિશુઓમાં ઝાડા-ઉલટીનું પ્રમાણ વધી ગયું છે.
