પાક-સિંધમાં સ્વતંત્રતા માટે મોદીના ફોટા સાથે દેખાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના સિંધને અલગ દેશ બનાવવાની માગ તેજ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓના ફોટાઓ (પ્લેકાર્ડ) રવિવારે સિંધમાં સ્વતંત્રતાતરફી રેલીમાં જોવા મળ્યા હતા. આંદોલનકારીઓએ આઝાદીતરફી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે પાકિસ્તાનથી અલગ આઝાદી માટે વડા પ્રધાન મોદી અને અન્ય વિશ્વના નેતાઓને દખલ કરવાની માગ કરી હતી. રવિવારે સાન વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં લોકોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

દેખાવકારોએ દાવો કર્યો હતો કે સિંધ સિંધુ ખીણની સભ્યતા અને વૈદિક ધર્મનું ઘર છે, જે બ્રિટિશ એમ્પાયર દ્વારા ગેરકાયદે રીતે કબજો કરવામાં આવ્યો હતો. અને 1947માં તેમના દ્વારા પાકિસ્તાનનો સોંપવામાં આવ્યું હતું. સિંધુ સંસ્કૃતિના ઇતિહાસ પર અનેક હુમલા કરવામાં આવ્યા છતાં સિંધુ ખીણના સમાજે ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખી છે.

ગઈ કાલે જીએમ સૈયદની 117મી જયંતી હતી. આ પ્રસંગે સિંધુ દેશ બનાવવાની માગને લઈને મોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જીએમ સૈયદને સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપક માનવામાં આવે છે. આ દેખાવો દરમ્યાન દેખાવકારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વિશ્વના નેતાઓના ફોટાને લઈને દેખાવો કર્યા હતા અને સિંધુ દેશ માટે તેમનો હસ્તક્ષેપ કરવા માગ કરી હતી.

દેખાવકારોએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જૂથોને અપીલ કરીએ છીએ કેસ ફાસીવાદીથી રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે અમારા સંઘર્ષને આગળ વધારવા અમને ટેકો આપે.