હિંસાને વાજબી ઠેરવી ન શકાયઃ મેલાનિયા ટ્રમ્પ

વોશિંગ્ટનઃ જો બાઇડનના શપથગ્રહણમાં બસ એક દિવસ રહી ગયો છે.રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં ઔપચારિક વિદાય થશે, પણ તેમના પર ચૂંટણી પૂરી થયા બાદ સતત પરિણામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવતા રહ્યા છે. તેમના ટેકેદારોએ આ મહિને યુએસ કેપિટોલમાં હંગામો કર્યો હતો. જેનો ઉલ્લેખ અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે સોમવારે છ મિનિટના વિડિયોમાં વિદાય સંદેશ રેકોર્ડમાં કર્યો હતો. તેમણે વ્હાઇટ હાઉસ છોડવાની તૈયારી કરતાં કહ્યું હતું કે લોકોએ દરેક બાબતે ઉત્સાહિત થવું જોઈએ, પણ હિંસાનો સહારો ના લેવો જોઈએ. હિંસા કોઈ વાતનો જવાબ નથી અને એને ક્યારેય વાજબી ના ઠેરવી શકાય, એમ તેમણે કહ્યું હતું.

કોવિડ-19 રોગચાળા દરમ્યાન ચિંતા જાહેર કરતાં મેલાનિયાએ લોકોને સતર્ક રહેવા અને જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સાંત્વના આપી હતી અને હેલ્થકેર અને ફ્રન્ટવર્કર્સનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષો અવિસ્મરણીય રહ્યાં છે. હું એ તમામ લોકો વિશે વિચારું છું, જેઓ મારા દિલમાં છે અને તેમના પ્રેમ અને દેશભક્તિ અને દ્રઢ સંકલ્પથી વરેલા છે, એમ તેમણે કહ્યું હતું.

મેલાનિયાએ તેમના કેમ્પેન ‘BE BEST’ની પણ વાત કરી હતી, જે બાળકોના શિક્ષણ માટે કામ કરે છે અને તેમણે આ પ્લેટફોર્મ પર કામ કરતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.