ઈસ્લામાબાદઃ પાકિસ્તાન રાષ્ટ્રીય ધારાસભાએ વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ગૃહમાં રજૂ કરાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાને આવતા રવિવાર (3 એપ્રિલ) સુધી મુલતવી રાખી છે. વિરોધપક્ષ પ્રેરિત પ્રસ્તાવ પર આજે ચર્ચા કરવાનું નક્કી કરાયું હતું. સત્ર શરૂ થયા બાદ વિપક્ષી સભ્યોએ તાત્કાલિક મતદાન કરાવવાની માગણી કરી હતી, તેથી નાયબ સ્પીકર કાસીમ સુરીએ અચાનક સત્રને આવતા રવિવાર સુધી મુલતવી રાખી દીધું હતું.
સવારે 11 વાગ્યે સત્ર શરૂ થયું ત્યારે કાસીમ સુરીએ વિપક્ષી સભ્યોને ચર્ચા શરૂ કરવા કહ્યું હતું, પરંતુ સભ્યોએ તાત્કાલિક મતદાન કરાવવાની માગણી કરી હતી. વિપક્ષી સભ્યોએ ભારે શોરબકોર કર્યો હતો અને નારા લગાવ્યા હતા.