ન્યૂયોર્કઃ એક અહેવાલમાં જણાવાયું છે કે 2019ની સરખામણીમાં વર્ષ 2020માં વધુ 3 કરોડ 10 લાખ લોકો અત્યંત ગરીબીમાં ધકેલાઈ ગયા હતા. આનું કારણ છે કોરોનાવાઈરસ. આ મહામારીએ આખી દુનિયામાં વધુ 3.1 કરોડ લોકોને અત્યંત ગરીબીની હાલતમાં ધકેલી દીધા છે. વાર્ષિક ગોલકીપર્સ રિપોર્ટમાં આમ જણાવાયું છે. આ અહેવાલ તૈયાર કરવામાં બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ-ગેટ્સની સંસ્થાએ મદદ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ દુનિયાના દેશોના આર્થિક વિકાસ માટે તૈયાર કરેલા ધ્યેયની પ્રગતિ ઉપર મહામારીએ ઊભી કરેલી માઠી અસરનું આ અહેવાલમાં વર્ણન કરવામાં આવ્યું છે.
અહેવાલમાં જણાવાયું છે કે કોરોના રોગચાળાને કારણે જે લોકોને સૌથી વધારે માઠી અસર પહોંચી છે એમની સ્થિતિ અત્યંત ધીમી ગતિએ સુધરશે. 90 ટકા સમૃદ્ધ દેશો આવતા વર્ષના આરંભ સુધીમાં એમની મહામારી-પૂર્વેની માથાદીઠ આવકના સ્તરે પહોંચી શકશે. પરંતુ ઓછી તથા મધ્યમ-આવકવાળા દેશોમાંના માત્ર એક-તૃતિયાંશ ભાગનાં દેશો જ રીકવર થઈ શકશે એવી ધારણા છે.