જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ડો. ટેડ્રોસ એડનમ ઘેબ્રિસસે કહ્યું છે કે દુનિયાભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીથી થયેલા મરણની સાપ્તાહિક સંખ્યા ગયા અઠવાડિયાની સરખામણીમાં ઓછી છે. 2020ના માર્ચ પછી આ પહેલી જ વાર સાપ્તાહિક મરણાંક આટલો બધો ઓછો રહ્યો છે. આ દર્શાવે છે કે કોરોનાનો અંત હવે નજીકમાં છે.
સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થા દ્વારા સંચાલિત આરોગ્ય સંસ્થા WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસે એમની નિયમિત સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘કોરોના રોગચાળાના અંત તરફની દિશામાં આપણે એટલી બધી સારી સ્થિતિમાં આવી ગયાં છીએ જે અગાઉ ક્યારેય નહોતાં. કોઈ દૃઢનિશ્ચયી મેરેથોન દોડવીર ફિનિશ લાઈન નજરે ન પડે ત્યાં સુધી દોડવાનું અટકાવતો નથી. ફિનિશ લાઈન જોતાં એ વધારે જોશપૂર્વક દોડે છે, એની તમામ શક્તિને કામે લગાડી દે છે, જે એણે તે માટે જ બાકી (સંભાળીને) રાખી હોય છે. એવું જ આપણું છે. આપણે પણ ફિનિશ લાઈન (કોરોનાનો અંત) જોઈ શકીએ છીએ. આપણે જીતવાની સ્થિતિમાં આવી ગયાં છીએ, પરંતુ હાલની ઘડીએ દોડવાનું અટકાવવાનું પાલવે નહીં. એમ કરવું અત્યંત ખરાબ કહેવાશે.’