વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડને કોરોના વાઈરસ રોગચાળા અને તેની રસીના મુદ્દે મહત્ત્વનું નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે આ વૈશ્વિક મહામારીને રોકતી રસી અમેરિકામાં લોકોને ઉપલબ્ધ થાય ત્યાં સુધીમાં દેશમાં આશરે બે લાખ લોકોનું મૃત્યુ થઈ શકે છે.
બાઈડને કહ્યું કે, અમેરિકામાં કોરોનાને કારણે દરરોજ સરેરાશ 1,000 લોકોનાં મરણ થાય છે અને આ બીમારી અત્યાર સુધીમાં 2,40,000 લોકોનો ભોગ લઈ ચૂકી છે. અનુમાન પરથી માલૂમ પડ્યું છે કે કોરોના રસી વ્યાપક રીતે ઉપલબ્ધ થશે ત્યાં સુધીમાં આવનારા મહિનાઓમાં વધારે 2 લાખ લોકોના જાન જઈ શકે છે.
બાઈડને ગયા રવિવારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસ સામેની લડાઈને એમનું વહીવટીતંત્ર પ્રાથમિક્તા આપશે. નવી સરકાર કોરોના લોકડાઉન, માસ્ક પહેરવા તથા અન્ય ઉપાયો વિશે સલાહ આપવા માટે નિષ્ણાતોની એક ટીમની રચના કરશે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 99,68,015 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 2,37,568 જણ મૃત્યુ પામી ચૂક્યા છે.