પાકિસ્તાનનાં બે શહેરોમાં વાયુ પ્રદૂષણને લીધે સંપૂર્ણ લોકડાઉન

નવી દિલ્હીઃ ભારતની સાથે પાકિસ્તાનની હવા પણ ઝેરી બની ગઈ છે. તેને જોતાં ત્યાંની પંજાબ સરકારે લાહોર અને મુલતાનમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની ઘોષણા કરી છે. આ શુક્રવારથી રવિવાર સુધી લાગુ રહેશે. આ બંને શહેરોમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં વધુપડતા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. લાહોર અને મુલતાન સૌથી વધુ પ્રભાવિત થયા છે. મુલતાનમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પહેલેથી જ 2000ને વટાવી ચૂક્યો છે, જે વાયુ પ્રદૂષણ માટે નવો રેકોર્ડ બન્યો છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંત્રી મરિયમ ઔરંગઝેબે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે લાહોર અને મુલતાનમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી રહ્યા છીએ. તેમણે માહિતી આપી હતી કે શુક્રવારથી રવિવાર સુધી આ બંને શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે.

લાહોર અને મુલતાનમાં બાંધકામનાં કાર્યો આગામી 10 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. બાંધકામ સામગ્રીથી ભરેલાં વાહનોને શહેરોમાં પ્રવેશતા અટકાવવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ પણ બંધ છે. કોલેજો અને યુનિવર્સિટીઓ ઓનલાઈન વર્ગો યોજશે. સરકારી અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. અહીં રેસ્ટોરાં ફક્ત ચાર વાગ્યા સુધી જ ખૂલશે અને ટેક-અવે સેવા 8 વાગ્યા સુધી આપવામાં આવશે. મરિયમ ઔરંગઝેબે એમ પણ કહ્યું હતું કે આ સ્મોગ સીઝનમાં લગ્નો પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યાં નથી.

મરિયમ ઔરંગઝેબે એ પણ કહ્યું કે લાહોરમાં માત્ર ત્રણ ટકા હરિયાળી છે, જ્યારે 36 ટકા હરિયાળી હોવી જોઈતી હતી. તે જોતા સરકારે શહેરમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાનું આયોજન કર્યું છે. વધુમાં, કૃષિ વિભાગે ખેડૂતોને પરાળી બાળવાને બદલે એને નષ્ટ કરવા માટે 1000 સુપર સીડર્સ પૂરા પાડ્યા છે, 800 ઈંટોના ભઠ્ઠા બંધ કરવામાં આવ્ય છે. લાહોરનાં જંગલો વધારવાની દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.