બીજિંગઃ ચીને પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત પરિષદ (UNSC) દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાવવાના ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રસ્તાવને અટકાવવાના પગલાનો બચાવ કર્યો છે. ચીને કહ્યું હતું કે તેનું આ પગલું સંબંધિત પ્રક્રિયા અને નિયમોને અનુરૂપ છે. મક્કી લશ્કરે-એ-તૈયબાના વડા અને મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિસ સઇદની નજીકનો સંબંધી છે. ભારત અને અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 ISIL અને અલ કાયદા પ્રતિબંધિત સમિતિ હેઠળ મક્કીને એક વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાવવાનો સંયુક્ત પ્રસ્તાવ લાવ્યા હતા, પણ પાકિસ્તાનના સહયોગી ચીને છેલ્લી ક્ષણોમાં એને અટકાવી દીધો હતો.ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે ચીન આતંકવાદનાં સ્વરૂપોનો વિરોધ કરે છે અને UNSCમાં 1267 સમિતિમાં અમારા દ્વારા કરવામાં આવતી કાર્યવાહી હંમેશાં સંબંધિત પ્રક્રિયા અને નિયમોનું પાલન કર્યું છે. ચીને એક રચનાત્મક અને જવાબદારી વલણની સાથે તેનું કાર્ય જારી રાખશે. જોકે ચીને સંબંધિત પ્રક્રિયા અને નિયમો વિશે વિસ્તારપૂર્વક બતાવવાનો ઇનકાર કર્યો હતો. બીજી બાજુ નવી દિલ્હીના સરકારી સૂત્રોએ કહ્યું હતું કે ચીનના બેવડા માપદંડનો સંકેત આપે છે. આવા ખૂનખાર આતંકવાદીને વધતા જોખમોની વચ્ચે એણે પણ આવાં જોખમોનો સામનો કરવો પડશે.
તેમણે કહ્યું હતું કે મક્કી જમ્મુ-કાશ્મીરમાં હિંસા અને હુમલાની યોજના બનાવવામાં નાણાં એકત્ર કરવામાં, આતંકવાદીઓની ભરતી કરવામાં અને યુવકોને કટ્ટરપંથી બનાવવા જેવાં કાર્યો કરી રહ્યો છે. મક્કી પર આ ચીનના પગલાથી ભારત અને ચીન વચ્ચે મતભેદ પેદા થશે. આ પહેલાં ચીને પાકિસ્તાની આતંકવાદીઓને પ્રતિબંધિત યાદીમાં મૂકવાના ભારત અને એના સહયોગીઓના પ્રયાસોને અટકાવ્યા હતા.