વોશિંગ્ટન ડીસીમાં ગોળીબારઃ એકનું મોત, અનેક ઘાયલ

વોશિંગ્ટનઃ વોશિંગ્ટન ડીસીના રસ્તાઓ પર ભય અને અરાજકતાનો માહોલ છે. અહીં U સ્ટ્રીટ નોર્થવેસ્ટમાં એક મ્યુઝિક ઇવેન્ટમાં થયેલા ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત કેટલાય લોકોના ઘાયલ થવાની માહિતી છે. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યાનુસાર U સ્ટ્રીટ પર પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી મારવામાં આવી હતી.

આ ગોળીબારનો વિડિયોમાં પોલીસ અધિકારીઓ રસ્તા પર પડેલા કેટલાય લોકોની મદદ કરતા જોવા મળ્યા હતા. આ વિડિયો ફુટેજમાં ઘટનાસ્થળ પર અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 14મી અને U સ્ટ્રીટ વિસ્તારમાં ગોળીબારની ઘટના થઈ છે, એમ પોલીસે જણાવ્યું હતું.

સ્થાનિક મિડિયાના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે આ ગોળીબારની ઘટના અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસથી માત્ર બે માઇલ દૂર છે. આ ગોળીબારમાં એક કિશોરનું મોત થઈ ચૂક્યું છે અને એક પોલીસ અધિકારી ઘાયલ થયા છે, જેની હાલત સુધારા પર છે. આ દુર્ઘટનામાં ત્રણ નાગરિકો –બે વયસ્કો અને એક કિશોરને ગોળી મારવામાં આવી હતી. આ ગોળીબાર મોચેલા દરમ્યાન થયો હતો -જેંને વોશિંગ્ટન ડીસીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપનારા એડવોકેસી ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. આ દુર્ઘટના જુનેટિન્થ મ્યુઝિક કોન્સર્ટના આયોજનના સમયે થઈ હતી.