ભારત કદી પણ ચીનનો વિકલ્પ નહીં બની શકે: ચીની અખબાર

નવી દિલ્હી:  વિશ્વના મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા કોરોના સંકટ અને લોકડાઉનને કારણે ડગમગી ગઈ છે. આ સ્થિતિમાં ચીનમાંથી અંદાજે 1000 જેટલી કંપનીઓ તેમનો કારોબાર સમેટીને ભારત તરફ મીટ માંડી છે. હાલમાં જ જર્મનીની એક ફૂટવેર કંપનીએ તેમનો મેન્યુફેક્ચરિંગ યૂનિટ ચીનમાંથી આગરામાં શિફ્ટ કરવાની વાત કહી છે. તો ઓપ્પો અને એપલ કંપનીઓએ પણ આવા સંકેતો આપ્યા છે. જેને લઈને ચીનના પેટમાં તેલ રેડાયું છે.

ચીનના સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં એક રિપોર્ટ છાપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ચીનનો વિકલ્પ બનવાનું સપનું જોઈ રહ્યું છે પણ એ શક્ય નથી. ભારત કદી પણ ચીનનો વિકલ્પ નહીં બની શકે. આ લેખમાં ચીનની બોખલાહટ સ્પષ્ટ દેખાઈ છે, હદ તો ત્યારે વટાવી જ્યારે લેખમાં ચીને વેસ્ટર્ન મીડિયાને દલાલ કહીને સંબોંધ્યું છે. ચીનમાં સ્થિત ઘણી કંપનીઓ હવે ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનું વિચારી રહી છે.

ગ્લોબલ ટાઇમ્સમાં લખવામાં આવ્યું છે કે, ચીનમાંથી શિફ્ટ થવાનું વિચારતી કંપનીઓને આકર્ષિત કરવા માટે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યએ ઈકોનોમિક ટાસ્ક ફોર્સની રચના કરી છે. ભારતની આ વિચારસરણી ખોટી છે. ભારત વિશ્વ માટે ચીનનો વિકલ્પ નહીં બની શકે.

મહત્વનું છે કે, આવા પ્રયાસો છતાં, કોરોના રોગચાળાના યુગમાં આર્થિક દબાણ વચ્ચે, ચીનને પાછળ રાખી આગળ વધવાનું સપનું ભારત માટે સફળ થાય તે થોડુ મુશ્કેલ છે. તો બીજી તરફ ભારત અને ચીન વચ્ચે વિવાદિત સરહદો સિક્કિમ અને લડાખ પાસેના કેટલાક વિસ્તારોમાં તણાવ વધી રહ્યો છે અને બંને પક્ષે અહીં વધારાના સૈન્યને તૈનાત કરી રહ્યા છે.