બીજિંગઃ ચીનના 11 પ્રાંતમાં કોરોનાવાઈરસ મહાબીમારીના 100થી વધારે કેસ નોંધાતા ચીની સરકારે નવેસરથી લોકડાઉન લાગુ કરવાનું શરૂ કર્યું છે. દેશના એક-તૃતિયાંશ પ્રાંતો અને ક્ષેત્રોમાં કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. તેમાં મધ્યમ અને ઉચ્ચ જોખમવાળા ક્ષેત્ર ઈનર મોંગોલિયા, ગાન્સુ, નિન્શીયા, ગુઈઝુ અને બીજિંગમાં કેન્દ્રિત છે.
નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેન્ગે કહ્યું કે, ચીનની કુલ વસ્તીના 75 ટકા લોકો – એટલે કે એક અબજ કરતાંય વધારે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા હોવા છતાં ગઈ 17 ઓક્ટોબરથી દેશમાં અનેક વિસ્તારોમાં કોરોના રોગચાળાના કેસ નોંધાયા છે અને તે ઝડપથી પ્રસરી રહ્યા છે. રોગચાળો હજી વધે એવું જોખમ વધતું જાય છે.