ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ચીનની મુલાકાત લીધા બાદ ફરી એકવાર બંને દેશે દુનિયા સમક્ષ તેમની મિત્રતા દર્શાવવાની તક ઝડપી લીધી છે. ચીને જણાવ્યું કે, પાકિસ્તાન ભારત સાથે વાટાઘાટો કરીને શાંતિના માર્ગે આગળ વધવા ઈચ્છે છે. આ મુદ્દે અમે પાકિસ્તાનને સહકાર આપીએ છીએ. આ ઉપરાંત અમે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં (NSG) પણ પાકિસ્તાનને ટેકો આપીએ છીએ.ચીનના વડાપ્રધાન લી કેકિઆંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દ્વિપક્ષીય બેઠક પછી સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જટિલ પ્રશ્નો છે. પાકિસ્તાન શાંતિના માર્ગે આગળ વધવા પ્રયત્નશીલ છે, જેને અમે સાથ આપી રહ્યાં છીએ.
જોકે, સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ કશ્મીરનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2016ના આતંકી હુમલા બાદ શાંતિવાર્તા ભાંગી પડી હતી. ખાસ કરીને મુંબઈ અને પઠાણકોટ હુમલા પછી પણ ચીનનું વલણ પાકિસ્તાન તરફી રહ્યું છે. હાફિઝ સઈદ મુંબઈ હુમલા સહિત ભારતીય સંસદ પરના હુમલાનો પણ માસ્ટર માઈન્ડ છે. આમ છતાં, UNમાં તેને આતંકવાદી જાહેર નહીં કરવા ચીન સતત વિટો વાપરીને ભારત સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યું છે.
ચીને સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન પ્લેટફોર્મ ઊભું કર્યું છે. જેમાં પાકિસ્તાન શરુઆતથી જ સક્રિય સભ્ય રહીને ટેકો આપી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ભારતને NSG માટે વિશ્વના 48 દેશનું સમર્થન છે. પરંતુ ચીન વ્યૂહાત્મક રીતે ભારતને ટેકો નહીં પણ પાકિસ્તાનને ટેકો આપી રહ્યું છે.
આ ઉપરાંત ઈમરાન ખાનની મુલાકાત દરમિયાન ચીને પાકિસ્તાનને છ અબજ ડોલરની જંગી મદદ પણ કરી છે.