ગેરકાયદે શરણાર્થીઓને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન

વોશિગ્ટન– ગેરકાયદે શરણાર્થીઓ (રેફ્યુજી)ને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે, તેમણે કહ્યું કે, દેશમાં ગેરકાયદે શરણાર્થીઓને પ્રવેશ કરતા રોકવામાં માટે તૈનાત કરેલા સૈનિકો તેના પર ફાયરિંગ નહીં કરે, જોકે, શરણાર્થીઓ સેના પર પથ્થરમારો કરશે તો, તેમની ધરપકડ કરવામાં સૈના પાછી પાની નહીં કરે. નોંધનીય છે કે, એક દિવસ અગાઉ જ ટ્રમ્પે કહ્યું હતું કે, જો શરણાર્થીઓ સૈનિકો પર પથ્થરમારો કરશે તો મૈક્સિકો સાથે દક્ષિણ પશ્ચિમ સીમા પર તૈનાત સેના ભીડ પર ગોળીબાર કરી શકે છે. ટ્રમ્પના આ નિવેદનનું તમના રાજકિય પ્રતિસ્પર્ધીઓ અને માનવધિકાર સંગઠનોએ આલોચના કરી હતી. એવુ અનુમાન છે કે, ત્રણ લેટિન અમેરિકન દેશો અલ સાલ્વાડોર, હોન્ડુરાસ અને ગ્વાટેમાલાથી 5,000  7,000 જેટલા શરણાર્થીઓનો કાફલો અમેરિકા તરફ આગળ વધી રહ્યો છે.

આ મામલે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સૈનિકો ગોળીબારી નહીં કરે, પરંતુ હું નથી ઈચ્છતો કે લોકો તેના પર પથ્થરમારો કરે. મૈક્સિકોની સેના સાથે તેમણે જે કર્યું તે ઘણું અપમાનજનક છે. પથ્થરબાજીમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તે લોકો જો અમારી સાથે પણ એવુ કરશે તો તેની ધરપકડ કરી લેવામાં આવશે. અને લાંબા સમય સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે.બીજી તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અમેરિકન સૈન્યને મૈક્સિકોની સરહદ પર તહેનાત કરવાની ટ્રમ્પની યોજનાની નિંદા કરતા આ બાબતને રાજકીય તમાશો ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શરણાર્થીઓને લઈને ટ્રમ્પની પોલિસીનું શાંતિ માટે નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યૂસુફજઈએ પણ વિરોધ કર્યો હતો. મલાલાએ કહ્યું હતું કે, શરણાર્થીઓને લઈને ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી હું ઘણી દુ:ખી છું. મલાલાએ ટ્રમ્પને અનુરોધ કર્યો કે, તે વિશ્વના સૌથી અસુરક્ષિત લોકોને એકલા ન છોડી મુકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]