નવી દિલ્હીઃ કેનેડાએ ગૃહપ્રધાન અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેમના દેશમાં શીખ અલગાવવાદીઓને નિશાન બનાવવાના કાવતરા માટે તેઓ મુખ્ય વ્યક્તિ છે. ગૃહપ્રધાન શાહે કેનેડાની અંદર શીખ અલગાવવાદીઓને નિશાન બનાવીને હિંસા, ધમકી અને ખાનગી માહિતી એકત્ર કરવાનું અભિયાન ચલાવવા માટેનો આદેશ આપ્યો છે, એમ એક કેનેડાના અધિકારીએ આરોપ લગાવ્યો હતો. જોકે ભારતે આ પહેલાં કેનેડાના બધા આરોપોને પાયાવિહોણા જણાવ્યા હતા.
કેનેડાના ઉપ વિદેશ મંત્રી ડેવિડ મોરિસને સંસદીય પેનલને કહ્યું હતું કે કાવતરા પાછળ અમિત શાહનો હાથ છે. તેમણે સમિતિને જણાવ્યું હતું કે પત્રકારે મને ફોન કર્યો હતો અને સવાલ કર્યો હતો કે શું આ તે (શાહ) વ્યક્તિ છે. મેં પુષ્ટિ કરી છે કે હા, એ જ વ્યક્તિ જ છે.
કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારના બે વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકન અખબારને ભારત વિરુદ્ધ ગુપ્ત માહિતી અને સંવેદનશીલ માહિતી લીક કરવાની કબૂલાત કરી છે. જોકે આ આરોપો માટે કોઈ વધુ વિગતો કે પુરાવા નહોતા આપ્યા. ઓટાવામાં ભારતીય હાઇ કમિશનરે અને ભારતીય વિદેશ મંત્રાલયે તત્કાળ કોઈ ટિપ્પણી નહોતી કરી.
આ ઉપરાંત એક અહેવાલ અનુસાર ટ્રુડોની રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર નતાલી ડ્રોવિને સંસદીય સમિતિને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના એક ટોચના અધિકારી કેનેડામાં નિજ્જર પર હુમલાના ષડયંત્રમાં સામેલ હતા.
ડ્રોવિને કહ્યું કે આ ગોપનીય માહિતી લીક કરવા માટે વડા પ્રધાનની મંજૂરી લેવામાં આવી ન હતી. વાસ્તવમાં ગોપનીય માહિતી લીક કરવી એ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજીનો એક ભાગ હતો. તેમણે અને કેનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મોરિસને સુનિશ્ચિત કર્યું કે અમેરિકાના એક મોટા અખબારને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદનું ઓટ્ટાવાનું વર્ઝન જાણવા મળ્યું.જોકે સંસદીય સમિતિએ ડ્રોવિન અને મોરિસનને ઠપકો આપતાં સવાલ કર્યો હતો કે શા માટે ટ્રુડો, તેમના કેબિનેટ મંત્રીઓ અને RCMPએ આ માહિતી અખબારને સોંપવાને બદલે જાહેર કરી નથી.