બ્રિટનના PM બોરિસ જોનસને એસ્ટ્રાઝેનેકાની રસી લીધી

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને શુક્રવારે કોવિડ-19ની રસી એસ્ટ્રાઝેનેકાનો પહેલો ડોઝ લીધો હતો અને એ રસી વિશે ઊભી થયેલી શંકાઓને નેસ્તનાબૂદ કરી હતી. તેમણે લોકોને આનો ઉપયોગ કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે રસી લગાવતાં તેમને કોઈ મુશ્કેલી નહોતી થઈ. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ લગાવ્યા પછી જોનસને કહ્યું હતું કે રસી લગાવ્યા પછી મને સારુ લાગી રહ્યું છે. આ બહુ જલદી શરૂ થયું છે અને મને કોઈ હેરાનગતિ પણ નથી થઈ. તેમણે વધુમાં કહ્યું હતું કે હું લોકોને અપીલ કરું છું કે જ્યારે પણ રસી લગાવવાનો નિર્દેશ મળે, ત્યારે તમે જરૂર રસી લગાવો. તમારી સાથે-સાથે તમારા પરિવાર અને આસપાસના બધાને રસી લગાવવા માટે પ્રોત્સાહન આપો.

 

બોરિસ જોનસને ટ્વીટ કરતાં કહ્યું હતું કે હું હાલમાં જ ઓક્સફોર્ડની રસીનો પહેલો ડોઝ લગાવ્યો છે. હું આ કાર્યમાં લાગેલા અસાધારણ વૈજ્ઞાનિકો, મેડિકલ સ્ટાફ અને વોલિન્ટિયર્સનો આભાર વ્યક્ત કરું છું.આપણી જિંદગીને પાછી પાટે ચઢાવવા માટે રસી સૌથી સારો વિકલ્પ છે.

બ્રિટનમાં કોવિડ-19ની સામે રસીકરણ ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. અહીં અડધાથી વધુ સિનિયર સિટિઝન્સને રસીનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જોનસન પહેલાં પણ સંક્રમિત થઈ ચૂક્યા છે.