ન્યૂયોર્કઃ ભારતમાંથી ભણવા આવેલા, પણ ગઈ 15 એપ્રિલે એક સરોવર ખાતે લાપતા થયેલા ઈન્ડિયાના યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીના મૃતદેહ સરોવરમાંથી મળી આવ્યા છે. એક મૃતક વિદ્યાર્થીનું નામ છે સિદ્ધાંત શાહ (19) અને બીજાનું નામ છે આર્યન વૈદ્ય (20). તેઓ એમના અમુક મિત્રોની સાથે ગયા અઠવાડિયે મનરો લેકમાં સ્વિમિંગ કરવા ગયા હતા. આ સરોવર ઈન્ડિયાનાપોલિસ શહેરથી આશરે 64 માઈલ દૂર આવેલું છે. સિદ્ધાંત અને આર્યન સરોવરમાં તરવા પડ્યા હતા, પણ પાછા સપાટી પર આવ્યા નહોતા.
સરોવરના સ્થળે હવામાન પ્રતિકૂળ હતું તેથી શોધખોળમાં અવરોધ ઊભો થયો હતો. બાદમાં, ડૂબકીમારોને 18 એપ્રિલે પેનટાઉન મરિના ખાતે સરોવરમાં 18 ફૂટ ઊંડે બંને મિત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. આ સરોવર 10,750 એકર જમીનવિસ્તાર પર પથરાયેલું છે અને 35-40 ફૂટ ઊંડું છે. સિદ્ધાંત અને આર્યન એક પોન્ટૂન બોટમાં બેસીને સરોવરમાં સહેલગાહનો આનંદ માણી રહ્યા હતા. ત્યાં અચાનક બંનેએ સ્વિમિંગ કરવાનું નક્કી કર્યું હતું.