‘આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ’ 28-30 એપ્રિલે ઓસ્ટ્રેલિયામાં યોજાશે

સિડનીઃ આ વર્ષનો ‘આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ’ 28-30 એપ્રિલે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં યોજાશે. આ જાહેરાત હરિયાણા સરકારે કરી છે. આ કાર્યક્રમ હિન્દૂધર્મીઓ માટે પવિત્ર એવા મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ભગવદ્દ ગીતા’ના વૈશ્વિક પ્રચાર માટે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

(તસવીર સૌજન્યઃ @igmkkr – International Gita Mahotsav)

સરકારના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ગીતા મહોત્સવ હિન્દૂધર્મીઓ માટે પવિત્ર એવા ભગવદ્દ ગીતાના કાલાતીત (અનંત) જ્ઞાનની એક ભવ્ય ઉજવણી સમાન હોય છે. આ કાર્યક્રમ જીવનના તમામ સ્તરના લોકોને એક જ મંચ પર એકત્ર કરે છે.’ આ મહોત્સવ અનેક વર્ષોથી નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાતો રહ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી વિદેશમાં પણ યોજાય છે. ભૂતકાળમાં આ મહોત્સવ મોરિશિયસ, ઈંગ્લેન્ડ અને કેનેડામાં યોજવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં આ મહોત્સવ એસોસિએશન ઓફ હરિયાનવીઝ ઈન ઓસ્ટ્રેલિયા (એએચએ) અને કુરુક્ષેત્ર ડેવલપમેન્ટ બોર્ડ (કેડીબી)ના સંયુક્ત ઉપક્રમે તેમજ અન્ય સંસ્થાઓના સહયોગમાં યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે હરિયાણા સરકાર પ્રોત્સાહન પૂરું પાડે છે.