પુતિન સાથે વાત કરવાનો વિચાર નથીઃ બાઈડન

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને કહ્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન જો NATO (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) સમૂહના દેશોની ધરતી પર પ્રવેશ કરશે તો જ અમેરિકા હસ્તક્ષેપ કરશે. આપણે જો પુતિનને અહીંયા જ અટકાવીશું નહીં, એમની પર મહત્ત્વના પ્રતિબંધો લાદીશું નહીં તો એમનો જુસ્સો વધી જશે. વ્હાઈટ હાઉસમાં યોજેલી પત્રકાર પરિષદમાં બાઈડને રશિયા સામે લાદવા નક્કી કરાયેલા શ્રેણીબદ્ધ કડક પગલાંની જાહેરાત પણ કરી હતી. બાઈડને એમ પણ કહ્યું કે, પુતિન સાથે વાત કરવાનો એમનો કોઈ વિચાર નથી, પરંતુ એમણે યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ફોન કર્યો હતો અને ખાતરી આપી હતી કે યૂક્રેનની જનતાની મુસીબતને હળવી કરવા માટે અમેરિકા માનવતાવાદી સહાય પૂરી પાડશે.

NATO સમૂહને નોર્થ એટલાન્ટિક અલાયન્સ પણ કહે છે. આ સમૂહની સ્થાપના અમેરિકાએ 1949માં કરી હતી. તેમાં યૂરોપના 28 દેશો છે અને બે નોર્થ અમેરિકાના દેશો છે. આ દેશો વચ્ચે આંતરસરકાર લશ્કરી જોડાણ કરાયું છે. યૂક્રેન હાલ NATOનું સભ્ય નથી, પરંતુ તે એમાં જોડાવા માટે પ્રયત્નશીલ છે. એને કારણે જ પુતિન ભડક્યા છે. દરમિયાન, યૂક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાએ કરેલા લશ્કરી આક્રમણમાં એમના દેશમાં અત્યાર સુધીમાં 137 નાગરિકો માર્યા ગયા છે.