બાઈડને સલાહકાર મંડળમાં બે ભારતીય-અમેરિકનની નિમણૂક કરી

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને એમના રાષ્ટ્રીય માળખાગત સલાહકાર મંડળ (NIAC)માં બે ભારતીય-અમેરિકન અધિકારીની નિમણૂક કરી છે. આ બે અધિકારી છે – મનુ અસ્થાના અને મધુ બેરીવાલ. આ સલાહકાર મંડળ યૂએસ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઈટ હાઉસને દેશના મહત્ત્વના પાયાભૂત સુવિધાઓના ક્ષેત્રો માટેની સુરક્ષા વ્યવસ્થા તથા ચપળતામાં સુધારો લાવવા તથા એમ કરીને સુવિધા ક્ષેત્રો પર વાસ્તવિક કે સાઈબર જોખમો ઘટાડવા માટે સલાહ આપે છે.

મનુ અસ્થાના ઉત્તર અમેરિકામાં દેશના સૌથી મોટા વિદ્યુત ગ્રિડની દેખરેખ રાખે છે. એમની કામગીરી હેઠળ પાવર ગ્રિડે વિશ્વસનીય વિદ્યુત સેવાને જાળવી રાખીને વધારે વધારે સ્વચ્છ અને વધારે કુશળ ગ્રિડમાં રૂપાંતર કર્યું છે. તેઓ ઊર્જા ઉદ્યોગમાં નેતૃત્વનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલના ટ્રસ્ટી બોર્ડના સભ્ય પણ છે. ચેંબર ઓફ કોમર્સ ફોર ગ્રેટર ફિલાડેલ્ફિયાના બોર્ડમાં ડાયરેક્ટર પણ છે.

 

મધુ બેરીવાલે 1985માં ઈનોવેટિવ ઈમર્જન્સી મેનેજમેન્ટ સંસ્થાની સ્થાપના કરી હતી. તેઓ હાલ તેના સીઈઓ તથા પ્રમુખ તરીકે કામગીરી બજાવે છે. IEM અમેરિકામાં મહિલાઓની આગેવાની હેઠળ સંચાલિત સૌથી મોટી આંતરિક સુવિધા તથા ઈમર્જન્સી મેનેજમેન્ટ કંપની છે. બેરીવાલ છેલ્લા 37 વર્ષથી કુદરતી આફતો વખતે સુસજ્જતા અને બચાવ કામગીરીઓ માટે ટેક્નોલોજીના ઉપયોગના ક્ષેત્રમાં સેવા બજાવતાં આવ્યાં છે. તેઓ શહેરી આયોજનમાં માસ્ટરની ડિગ્રી અને જિયોગ્રાફી તથા ઈકોનોમિક્સમાં બેચલર્સ ડિગ્રી ધરાવે છે.