એશિયાના દેશો તરફ 314 કિમીની ઝડપે વધતું શક્તિશાળી વાવાઝોડું

ટોક્યોઃ વર્ષ 2022નું સૌથી શક્તિશાળી વાવાઝોડું હિનામનોર છે, જે હાલ પશ્ચિમી પ્રશાંત મહાસાગર મજબૂત થઈ રહ્યું છે. આ વાવાઝોડું પ્રતિ કલાક 257 કિલોમીટરથી 314 કિલોમીટરની સ્પીડે ફૂંકાશે, હિનામનોર હાલ ચીનના પૂર્વ કિનારે, જાપાનના દક્ષિણી દ્વીપો માટે જોખમ બની રહ્યું છે. આ વાવાઝોડાથી ફિલિપિન્સના લોકો અને તેમની આજીવિકા માટે એક ગંભીર જોખમ બની રહ્યું છે, એમ અંમેરિકાના જોઇન્ટ ટાઇફૂન વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું.

આ વાવાઝોડું હિનામનોર એટલું શક્તિશાળી છે કે સમુદ્રમાં આશરે 50 ફૂટ ઊંચાં દરિયાઈ મોજાં ઊછળવાની આશંકા છે. અમેરિકા, હોંગકોંગ અને જાપાન સહિત વિશ્વની હવામાન એજન્સીઓએ હિનામનોરને સુપર ટાઇફૂનનો દરજ્જો આપ્યો છે. હાલ આ વાવાઝોડું જાપાનના ઓકિનાવાથી આશરે 230 કિલોમીટર પૂર્વમાં કેન્દ્રિત છે અને એ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં આશરે 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રયુકુ દ્વીપ આગળ વધે એવી અપેક્ષા છે. અહીં એ ચીન અને જાપાન તરફ વધશે.

જોકે આ વાવાઝોડાને લીધે રયુકુ ટાપુ પર આશરે 200-300 મિમી વરસાદ થયો છે.જેથી વરસાદને કારણે પૂરની સંભાવના છે. વાવાઝોડાથી નાના ટાપુઓ પર વધુ નુકસાનની આશંકા છે. જોકે નિષ્ણાતોનો અંદાજ છે કે આ વાવાઝોડું આવનારા દિવસોમાં નબળું પડશે. અમેરિકાના જોઇન્ટ ટાઇફૂન વોર્નિંગ સેન્ટરે પણ કહ્યું હતું કે આવનારા દિવસોમાં સુપર ટાઇફૂન નબળું પડશે.