એક-બે દિવસ નોનવેજ ખાધા વગર રહી શકાયઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે તહેવારોમાં કતલખાનાં બંધ કરવાના નિર્ણયની સામે દાખલ થયેલી અરજી પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે લોકો એક-બે દિવસ માંસ ખાધા વગર રહી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જૈન તહેવાર પર્યુષણને પ્રસંગે શહેરના એકમાત્ર કતલખાનાને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. એની સામે 29 ઓગસ્ટ સોમવારે ગુજરાત હિન્દ જમિયત-અલ કુરેશ એક્શન કમિટીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કમિટીએ તર્ક આપ્યો હતો કે એ કોર્પોરેશનનો નિર્ણય લોકોના ભોજનના અધિકારને અટકાવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પહેલાં 24થી 31 ઓગસ્ટ અને પછી પાંચથી નવ સપ્ટેમ્બરની વચ્ચે તહેવારોને લીધે શહેરના એકમાત્ર કતલખાનાને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અરજીની સુનાવણી કરતાં જસ્ટિસ સંદીપ ભટ્ટે ટિપ્પણી કરી હતી કે તમે એક-બે દિવસ ખુદને માંસ ખાવાથી રોકી નથી શકતા. જેની પર મોહમ્મદ હુસૈન રજાઇવાલાએ કહ્યું હતું કે એ અરજી ખુદને સંયમિત કરવા માટે નથી, બલકે એ મૌલિક અધિકારો વિશે છે. અમે દેશમાં એક મિનિટ માટે પણ મૌલિક અધિકારો પર પ્રતિબંધ લગાવવાની કલ્પના નથી કરી શકતા.

પહેલાં કતલાખાનું બંધ કરી દેવામાં આવ્યું. એટલે આ પ્રક્રિયા ભવિષ્ય માટે પ્રતિબંધિત કરી શવાની શક્યતા છે. આ અરજી કુરેશી જમાતના સભ્ય મોહમ્મદ હમ્માદ હુસૈન રજાઇવાલા અને દાનિશ કુરેશીએ દાખલ કરી હતી.  કતલખાનાં બંધ કરવાનો મુદ્દો 2008થી વિવાદિત રહ્યો છે. સુપ્રીમ કોર્ટે જૈનોના તહેવાર પર્યુષણમાં કોર્પોરેશનના નિર્ણયને યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો