બાંગ્લાદેશમાં બળાત્કારીઓને ફાંસીનો કાયદો અમલમાં

ઢાકાઃ બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ અબ્દુલ હમીદે બળાત્કારીઓ માટે આજીવન કારાવાસની સજાને વધારીને ફાંસી ફટકારતા એક વટહૂકમ પર આજે સહી કરી દીધી છે.

વડાં પ્રધાન શેખ હસીનાની આગેવાની હેઠળનાં પ્રધાનમંડળે ગઈ કાલે મહિલાઓ અને બાળકો પર અત્યાચાર પ્રતિબંધ કાયદામાં સુધારો મંજૂર કર્યો હતો. અગાઉના કાયદામાં બળાત્કારીઓને આજીવન જેલની સજાની જોગવાઈ હતી.

નોઆખલી શહેરમાં એક મહિલાની જાતીય સતામણી કરાતાં અને સિલ્હેટ શહેરની એમ.સી. કોલેજમાં એક અન્ય મહિલા પર બળાત્કાર કરાતાં બાંગલાદેશમાં ઠેરઠેર પ્રચંડ વિરોધ ઊભો થયો છે. પાટનગર ઢાકા શહેરના શાહબાગ ચોક ખાતે અનેક સંસ્થાઓ, સંગઠનોએ વિરોધ-દેખાવો કર્યા હતા.

બાંગ્લાદેશમાં છેલ્લા 16 વર્ષોમાં બળાત્કારના 4,541 કિસ્સા નોંધાયા છે. એમાંથી માત્ર 60 આરોપીઓને જ સજા આપવામાં આવી હતી.

આ જ વર્ષના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં બાંગ્લાદેશમાં ઓછામાં ઓછી 889 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, એવું માનવ અધિકારોના એક ગ્રુપનો દાવો છે.

આ જ સમયગાળા દરમિયાન બીજી 192 મહિલાઓ પર બળાત્કારના પ્રયાસો કરાયા હોવાના કે જાતીય સતામણી કરાઈ હોવાના બનાવો નોંધાયા છે. આમાં 9 કમનસીબ સ્ત્રીઓએ આત્મહત્યા કરી હતી.

માનવાધિકાર ચળવળકારોનું માનવું છે કે બળાત્કાર અને સ્ત્રીઓની જાતીય સતામણીના આનાથી પણ વધારે કેસો હશે, કારણ કે પીડિત સ્ત્રીઓ ડરને કારણે પોલીસમાં ફરિયાદ કરતી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]