મુશર્રફને વૈશ્વિક આતંકી જાહેર કરે અમેરિકા: બલુચ નેતાએ કરી માગ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે હાલમાં જ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ચીફ હાફિઝ સઈદને પોતાનું સમર્થન હોવાની વાત કરી હતી. મુશર્રફના આ નિવેદન બાદ રાજકીય ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. હવે બલુચિસ્તાનના એક કાર્યકર્તાએ અમેરિકન પ્રશાસન પાસે માગ કરી છે કે, પાકિસ્તાનના પૂર્વ સેનાપ્રમુખ અને રાષ્ટ્રપતિને વૈશ્વિક આતંકી જાહેર કરે.

બલૂચ કાર્યકર્તા નાયલા કાદરીએ પાકિસ્તાનમાં ચાલી રહેલી આતંકી ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરતાં અમેરિકાનાં વિદેશપ્રધાન રેક્સ ટિલરસનને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ સૈનિક શાસક પરવેઝ મુશર્રફને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો મોટા સમર્થક ગણાવ્યો છે અને તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માગ કરી છે. નાયલાએ તેના પત્રમાં લખ્યું કે, અમેરિકાએ મુશર્રફને વૈશ્વિક આતંકી જાહેર કરી તેની બધી જ સંપત્તિ જપ્ત કરવી જોઈએ.

બલુચિસ્તાનની આઝાદીની માગ કરનારી નાયલા કાદરીએ અમેરિકા સમક્ષ માગ કરી છે કે, પરવેઝ મુશર્રફે બલુચ લોકોનો નરસંહાર કરાવ્યો. એટલું જ નહીં મુશર્રફે માવનતા વિરોધી અનેક કાર્યો કર્યા છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને તાનાશાહ શાસક પરવેઝ મુશર્રફે થોડા દિવસો પહેલા જ પોતાને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો મોટો સમર્થક ગણાવ્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, આ સંગઠન તેને ઘણું પસંદ છે. વધુમાં મુશર્રફે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ હમેશા કશ્મીરમાં ભારતીય સેનાની પ્રવૃત્તિને કચડી નાખવાના પ્રયાસનું સમર્થન કરતા રહ્યાં છે.