અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના, લેન્ડિંગ સમયે બે જેટ અથડાયા

અમેરિકામાં ફરી એક વખત પ્લેન દુર્ઘટના સર્જાય છે. એરિઝોનાના સ્કોટ્સડેસ એરપોર્ટ પર એક પ્રાઈવેટ જેટ લેન્ડ થતા સમયે રનવે પર અન્ચ એક જેટ અથડાતા દુર્ઘટના સર્જાય છે. મીડિયા સૂત્રો પ્રમાણે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે સાથે 4 લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર વિમાન પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરવામાં આવ્યું હતું. અકસ્માત બાદ રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાછલા દોઢ મહિનામાં અમેરિકામાં ચોથી વિમાન દુર્ઘટના સર્જાય છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે બપોરે 2:45 વાગ્યે બની હતી, જ્યારે એક લિયરજેટ 35A વિમાન લેન્ડિંગ પછી રનવે પરથી ઘસી ગયું હતું અને રેમ્પ પર ઉભેલા ગલ્ફસ્ટ્રીમ 200 બિઝનેસ જેટ સાથે અથડાયું હતું. આ પછી એરપોર્ટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી. સ્કોટ્સડેલ એરપોર્ટના અધિકારી કેલી કુએસ્ટરે જણાવ્યું હતું કે જેટનું પ્રાઇમરી લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે તે બીજા પાર્ક કરેલા જેટ સાથે અથડાયું હતું. જે વિમાન અથડાયુ તેમાં ચાર લોકો સવાર હતા. પાર્ક કરેલા વિમાનમાં એક માણસ સવાર હતો. આ અથડામણમાં ઘાયલ થયેલા બે લોકોને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. એકની હાલત સ્થિર છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત પણ થયું છે. આ પહેલા અમેરિકાના અલાસ્કાથી નોમ શહેર જઈ રહેલું એક વિમાન અચાનક ગુમ થઈ ગયું હતું. જે બાદ શોધ શરૂ કરવામાં આવી હતી અને હવે વિમાનનો કાટમાળ દરિયામાંથી મળી આવ્યો હતો. વિમાન દરિયામાં ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા.