તુર્કીમાં ફરી 5.9ની તીવ્રતાનો ભૂકંપઃ મૃતકોની સંખ્યા 4000ને પાર

નવી દિલ્હીઃ તુર્કીમાં મંગળવારે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલપર ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.ગઈ કાલે શક્તિશાળી ભૂકંપે તુર્કી અને સિરિયામાં ભયંકર તારાજી વેરી હતી. તુર્કી અને સિરિયામાં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 4000થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘાયલોની સંખ્યા 15,914એ પહોંચી છે.

ભૂકંપને કારણે હજ્જારો ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે.હજી પણ મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની આશંકા છે, કેમ કે બચાવ કર્મચારીઓ હજી પણ પ્રભાવિત વિસ્તારોમાં કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળમાં લાગેલા છે.

ભારતે પણ આ ભીષણ ભૂકંપમાં મદદ માટે NDRFની બે ટીમો રાહત સામગ્રી સહિત રવાના કરી છે. ઇન્ડિયન એર ફોર્સનું વિમાન C-17થી આ ટીમોને રવાના કરવામાં આવી હતી અને આ ટીમો તુર્કી પહોંચી પણ ગઈ હતી. આ ટીમોમાં સ્નિફર ડોગ પણ પણ સામેલ છે.સોમવારે પજારસિક જિલ્લામાં કેન્દ્રિત 7.8ની તીવ્રતાના ભૂકંપે કહારનમારસને આંચકો આપ્યો હતો. આ ભૂકંપથી ગજિયાંટેપ, સાનલિઉર્ફા, દિયારબાકિર, અદાના, અદિયામન, માલટ્યા, ઉસ્માનિયા, હટાય અને કિલીસ સહિત અનેક પ્રાંતોને પ્રભાવિત કર્યા હતા. NDRFના DIG, ઓપરેશન અને ટ્રેનર મોહસિન શહીદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની HADR (માનવીય મદદ અને ડિઝેસ્ટર રાહત) કાર્યો માટે NDRFની બંને ટીમોને તુર્કી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે ટીમોને તુર્કી અને સિરિયા માટે રવાના કરવામાં આવી છે. ગાઝિયાબાદમાં આઠ બેટેલિયનમાંથી એક અને કોલકાતામાં બીજી બેટેલિયનની બે ટીમોના આશરે 101 NDRF કર્મચારીઓ આ મિશન માટે જઈ રહ્યા છે. આ ટીમની સાથે પેરામેડિકલ સ્ટાફ પણ છે.