રમેશભાઈની વ્યાસપીઠમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

પોરબંદરઃ મહેર સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા માર્ચ, 2023માં સંત પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠમાં શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 13 માર્ચથી 19 માર્ચ સુધીમાં ચોપાટી ક્રિકેટ મેળા ગ્રાઉંડ, પોરબંદરમાં યોજાનારી આ ભાગવત સપ્તાહમાં કૃષિ મેળો, ઔદ્યોગિક મેળો અને અન્ય કાર્યક્રમો ઉપરાંત પોરબંદરના વિકાસ માટે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્વે જ્ઞાતિ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેશે.

કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા,ઉપપ્રમુખ સાજણભાઈ ઓડેદરા, કેશવના કારાભાઈ કેશવાલા, અમેરિકાના ભિમાભાઈ મોઢવાડિયા તથા મેહુલભાઈ થાનકી વગેરે મહાનુભાવોએ 12થી 19 માર્ચ દરમિયાન યોજાનારા કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે-સાથે અઠવાડિયા સુધી પોરબંદરની સામાજિક, શૈક્ષણિક, આર્થિક, આધ્યાત્મિક, તથા આરોગ્યલક્ષી ઉન્નતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

આ ભાગવત સપ્તાહમાં મુખ્ય દાતા અમેરિકના ભિમાભાઈ મોઢવાડિયા તથા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે શરીરની સ્વસ્થતા માટે વ્યાયામ જરૂરી છે તેવી જ રીતે માનસિક શાંતિ માટે ધર્મ જરૂરી છે.

12 માર્ચે ભાગવત સપ્તાહના આગલા દિવસે પોથીની ભવ્ય શોભાયાત્રા યોજાશે. હજારો શહેરીજનો આ શોભાયાત્રામાં જોડાશે. મહેર સમાજના લોકો તેમના પરંપરાગત પોશાકમાં જોડાશે, ચોપાટી ખાતે મહેર મણિયારા સહિત દાંડિયા-રાસ પણ યોજાશે. આ સાથે ‘મહેર સમાજની વિકાસગાથા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. મહેર સમાજનું આ પ્રથમ ડિજિટલ પુસ્તક છે. આ ઉપરાંત કૃષિ અને ઉધોગ મેળો, વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધા નિવારણ, મેડિકલ અને રક્તદાન કેમ્પ ઉપરાંત દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં દરરોજ અંદાજિત 35000 થી 50,000 જેટલા લોકો જોડાશે.”

ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ મહાપ્રસાદી બાદ લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે . જેમાં ભિખુદાન ગઢવી, દેવરાજ ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા ખ્યાતનામ કલાકારો પ્રેક્ષકોને ડાયરાની સંસ્કૃતિ સાથે જકડી રાખશે.