ભૂકંપમાં મદદ: તૂર્કીએ ભારતને ‘દોસ્ત’ તરીકે ઓળખાવી આભાર માન્યો

નવી દિલ્હીઃ 7.8ની તીવ્રતાવાળા ભૂકંપે ગઈ કાલે તૂર્કીમાં 4,300થી વધારે લોકોનો ભોગ લીધા બાદ અને વ્યાપક નુકસાન કર્યા બાદ ભારત સરકારે આ દેશને રાહત પૂરવઠો અને માનવતાવાદી સહાય કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બદલ ભારતસ્થિત તૂર્કીના રાજદૂત ફિરાત સુનેલે આભાર વ્યક્ત કર્યો છે અને ભારતને ‘દોસ્ત’ કહ્યું છે.

(તસવીર સૌજન્યઃ @NDRFHQ)

એક ટ્વીટમાં સુનેલે કહ્યું છે, તૂર્કી અને હિન્દી ભાષાઓમાં દોસ્ત સમાન શબ્દ છે… અમારી તૂર્કી ભાષામાં એક કહેવત છેઃ ‘દોસ્ત કરા ગુંડે બેલી ઓલૂર (અર્થાત, ખરા ટાણે મદદે આવે એ જ સાચો દોસ્ત કહેવાય). આપનો ખૂબ ખૂબ આભાર.’

રાહત પૂરવઠો લઈને ભારતીય હવાઈ દળનું એક વિમાન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિન્ડન એરપોર્ટ ખાતેથી રવાના થયું હતું. એની સાથે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (એનડીઆરએફ)ના નાયબ કમાન્ડન્ટ દીપક તલવારની આગેવાની હેઠળ 51 સભ્યોની ટીમ પણ ગઈ છે. એનડીઆરએફની કુલ બે ટીમ શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા માટે જરૂરી સાધનસામગ્રી સાથે તૂર્કીમાં મદદાર્થે ગઈ છે. બંને ટીમમાં 100-100 જવાનો છે. એમની સાથે વિશેષ તાલીમ પામેલા શ્વાનની ટૂકડીઓ પણ છે.

ગઈ કાલે આવેલા ભયાનક ભૂકંપને કારણે તૂર્કીમાં 2,921 જણ અને પડોશના સીરિયામાં 1,451 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]