બંગલાદેશમાં સરકાર ઊથલાવવા પાછળ અમેરિકાનું ષડયંત્ર?

નવી દિલ્હીઃ બંગલાદેશમાં શેખ હસીના સરકારનો તખતાપલટ થઈ ગયો છે. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે માતાને સત્તા પરથી દૂર કરવા પાછળ બહારની શક્તિઓનો હાથ હોવાની વાત કહી છે. બંગલાદેશમાં જે સ્થિતિ બની છે, એની પાછળ અમેરિકાનો ગેમપ્લાન હોવાની શક્યતા તેમણે દર્શાવી છે. એની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે.

હું જણાવી નથી શકતો કે આ કોણે કર્યું છે, પણ અમારો સંદેહ છે કે એની પાછળ પાકિસ્તાન કે અમેરિકાનો હાથ હોઈ શકે. પાકિસ્તાન તો નથી ઇચ્છતું કે બંગલાદેશમાં મજબૂત સરકાર બને, કેમ કે એ પૂર્વ તરફથી ભારતને પરેશાન કરવા ઇચ્છે છે.

અમેરિકાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે અમેરિકા પણ બંગલાદેશમાં સ્થિર સરકાર નથી ઇચ્છતી. એ બંગલાદેશમાં નબળી સરકાર ઇચ્છે છે. એવી સરકાર ઇચ્છે છે કે જેને નિયંત્રિત કરી શકાય અને તેઓ શેખ હસીનાને નિયંત્રિત નથી કરી શક્યા.

તેમણે શેખ હસીનાના કાર્યકાળની તરફેણ કરતાં કહ્યું હતું કે તેમણે છેલ્લાં 15 વર્ષમાં બંગલાદેશની સિકલ બદલી છે. જ્યારે તેમણે બંગલાદેશની ધુરા સંભાળી ત્યારે બંગલાદેશને લોકો નિષ્ફળ રાષ્ટ્ર તરીકે ગણતા હતા. એ ગરીબ દેશ હતો. અત્યાર સુધી આ દેશ ‘રાઇઝિંગ ટાઇગર ઓફ એશિયા’ તરીકે ઓળખાતો હતો. તેઓ ખૂબ દુ:ખી છે.

તેમણે એ આરોપોને ફગાવ્યા હતા કે તેમની સરકારે પ્રદર્શનકારીઓ સાથે કડકાઈભર્યું વલણ દાખવ્યું છે. લોકોએ પોલીસને પણ માર્યા છે, 13 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે ટોળું પોલીસને માર મારી રહ્યું હોય ત્યારે તમે પોલીસ પાસેથી શું આશા રાખો?

તેમણે એમ પણ કહ્યું હતું કે શેખ હસીના હવે કોઈ રાજકીય પુનરાગમન નહીં કરે, તેઓ તેમણે કરેલી મહેનત પછી દુ:ખી છે. મને લાગે છે કે હવે બહુ થયું, હવે બસ.