અમેરિકાએ રશિયાથી મંગાવ્યા મેડિકલ ઉપકરણો

વોશિંગ્ટનઃ કોરોના વાયરસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહેલા અમેરિકાએ સંક્રમિત દર્દીઓની સારવાર માટે રશિયાથી વેન્ટીલેટર, સારવાર અને અન્ય વ્યક્તિગત સુરક્ષાના ઉપકરણો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. કોરોના મહામારીને લઈને વ્હાઈટ હાઉસને ચેતવણી આપી છે કે આવતા સપ્તાહ સુધીમાં અમેરિકામાં લાખો લોકોના મોત થઈ શકે છે.

અમેરિકામાં કોરોના વાયરસના કેસો તેજીથી વધી રહ્યા છે. કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો વધીને 2,13,000થી વધારે થઈ ગયો છે. જ્યારે 5000 થી વધારે લોકોના મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વ્લાદીમીર પૂતિન વચ્ચે 30 માર્ચના રોજ ફોન પર થયેલી વાત બાદ કોરોના મહામારી સામે લડવા માટે રશિયાથી જરુરી ઉપકરણો ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે 30 માર્ચના રોજ ફોન પર વાત થઈ હતી. અમેરિકાએ રશિયા પાસેથી વેન્ટિલેટર સહિતની ચિકિત્સા અને વ્યક્તિગત સુરક્ષા માટેની સામગ્રી ખરીદવાની સહમતી વ્યક્ત કરી છે કે જે 1 એપ્રીલના રોજ ન્યૂયોર્ક પહોંચશે.