વોશિંગ્ટનઃ અરુણાચલ પ્રદેશના તવાંગમાં નવ ડિસેમ્બરે ભારત ને ચીનના સૈનિકોની વચ્ચે અથડામણ થઈ હતી. જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટના પર અમેરિકાએ કહ્યું હતું કે ચીન ભડકાવવાની કાર્યવાહી કરે છે. જોકે અમેરિકા ખુશ છે કે બંને દેશો અથડામણ પછી જલદી પીછેહઠ કરી હતી, એમ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગનના પ્રેસ સેક્રેટરી પૈટ રાઇડરે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ચીન બંને દેશોની સરહદે ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે છે. અમેરિકાએ જોયું છે કે ચીન LACની આસપાસ સેના એકત્ર કરી રહ્યું છે અને મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. અમે સ્થિતિને નિયંત્રિત કરવા માટે ભારતના પ્રયાસોને ટેકો આપીએ છીએ. અમે મિત્ર દેશોની સુરક્ષાની ખાતરી કરતા રહીશું.
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરાઇન જિન પિયરે કહ્યું હતું કે અમેરિકા આ મુદ્દે બાજ નજર રાખી રહ્યું છે. અમને ખુશી છે કે બંને દેશોએ અથડામણ પછી જલદીથી પીછેહઠ કરી લીધી હતી. અમે બંને દેશોને દ્વિપક્ષી વાટાઘાટ કરવાનું સૂચન કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે ભારત-ચીન સીમા વિવાદને ઉકેલવા માટે વાતચીત કરતા રહે.
શું છે મામલો?
સોશિયલ મિડિયા પર અથડામણનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. નવ ડિસેમ્બરે 600 ચીની સૈનિક તવાંગમાં ભારતીય પોસ્ટને દૂર કરવા માટે ઘૂસણખોરી કરવાના પ્રયાસ કર્યા હતા. તેઓ કાંટાળા લાઠી-ડંડા અને ઇલેક્ટ્રિક બેટનથી સજ્જ હતા. ભારતીય સેનાએ પણ કાંટાળા લાઠી-ડંડાથી તેમને ખદેડી મૂક્યા હતા.