ભારત, કેનેડા વિવાદ પર અમેરિકાની પણ બાજ નજર

નવી દિલ્હીઃ ભારત-કેનેડામાં છેડાયેલા વિવાદની વચ્ચે વડા પ્રધાન  જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ખાલિસ્તાની નેતાની હત્યા પર વધતા રાજકીય વિવાદ પર કેનેડા ભારતને ઉશ્કેરવા કે પરેશાન કરવા નથી ઇચ્છતું. તેમણે ભારતને આ મામલાને બહુ ગંભીરતાથી લેવાની અને સત્ય બહાર લાવવા માટે કેનેડાની સાથે મળીને કામ કરવાનો આગ્રહ કર્યો હતો.

આ મામલે હવે અમેરિકાએ પણ કહ્યું હતું કે US કેનેડામાં શીખ અલગાવવાદી નેતાની હત્યામાં ભારતની સંડોવણીના આરોપોની તપાસના કેનેડાના પ્રયાસોને ટેકો આપે છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કેનેડા-ભારત મુદ્દે વડા પ્રધાન મોદીથી વાત કરવા પર NSA જેક સુલિવને કહ્યું હતું કે હું એ વ્યક્તિગત રાજકીય વાતચીતમાં સામેલ નહીં થાઉં, જે આ વિષય પર પહેલાં થઈ ચૂકી છે અથવા થવાની છે. અમે આ મુદ્દે ઉચ્ચ સ્તર પર ભારતીયોની સાથે સંપર્કમાં છીએ અને રહીશું. આ અમારા માટે ચિંતાનો વિષય છે. આને અમે અમે ગંભીરતાથી લઈએ છીએ. અમે અમારું કામ કરવાનું જારી રાખીશું.

તેમણે કહ્યું હતું કે અમે કેનેડાના વડા પ્રધાનના આરોપોને સાંભળ્યા છે અને અમે ગુનેગારોને સજા અપાવવા માટે ટેકો આપીએ છીએ. તેમણે કહ્યું હતું કે અમે કેનેડાના સમકક્ષોની સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે તેમની સાથે પણ પરામર્શ કરી રહ્યા છીએ. અમે આ તપાસમાં તેમના દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસાને પણ ટેકો આપીએ છીએ અને અમે ભારત સરકારના સંપર્કમાં પણ છીએ. તેમણે કેનેડા સાથે મતભેદની અટકળોને ફગાવી દીધી હતી.